ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બોલરોને IPLની આગામી મેચમાં નોબોલ અને વાઇડની સંખ્યામાં કાપ કરવાની કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે જો તેઓ વિરોધી ટીમને આ રીતે સરળતાથી રન આપતા રહેશે તો પછી તેમણે નવા કેપ્ટનના નેતૃત્વમાં રમવાનું રહેશે. ધોનીની આ ચેતવણી ચેન્નઈ સુપર કિંગ્સની સોમવારે લખનઉ સુપરજાયન્ટ્સની સામે 12 રનની જીત પછી આવી છે. એ વિકેટકીપર બેટ્સમેન એ વાતે નારાજ હતો કે તેના બોલરો એ મેચમાં ત્રણ નોબોલ ને 13 વાઇડ બોલ કર્યા હતા, જેથી લખનઉ 218 રનના લક્ષ્યનો પીછો કરતા સમયે સાત વિકેટ પર 205 રન સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.
ચેન્નઈની ટીમે હાલના ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની સામે પહેલી મેચમાં ચાર વાઇડ અને બે નોબોલ ફેંક્યા હતા. ધોનીની ટીમ એ મેચમાં પાંચ વિકેટે હારી ગઈ હતી. યુવા ઝડપી બોલર રાજવર્ધન હેંગારગેકરે એ મેચમાં ત્રણ વાઇડ અને એક નોબોલ ફેંક્યો હતો. સોમવારે તેણે લખનઉની સામે ત્રણ વાઇડ ફેંક્યા હતા.
ચેન્નઈના એક અન્ય ઝડપી બોલર તુષાર દેશપાંડેએ સોમવારે બે વિકેટ લીધી હતી, પણ તેણે ચાર વાઇડ અને ત્રણ નોબોલ ફેંક્યા હતા. દીપક ચાહરે પણ વાઇડ દ્વારા પાંચ વધારાના રન આપ્યા હતા.ધોનીએ મેચ પછી કહ્યું હતું કે તેમણે એક પણ નોબોલ નહીં ફેંકવા જોઈએ અને ઓછા વાઇડ બોલ ફેંકવા જોઈએ. અમે બહુ વધારાના બોલ ફેંકી રહ્યા છીએ અને એમાં કાપ મૂકવાની જરૂર છે, અન્યથા તેમણે નવા કેપ્ટનના નેતૃત્વમાં રમવું પડશે.
