સિડની: કોરોના વાઈરસને કારણે ક્રિકેટ પર લાગેલો બ્રેક પૂરો થઈ ગયો છે. તેમ છતાં, ખેલાડીઓ માટે કોરોના કાળમાં રમવું એટલું સરળ નથી, કારણ કે તેમને ઘણા પ્રતિબંધોમાંથી પસાર થવું પડી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના નિયમો અને પ્રોટોકોલ મુજબ, ખેલાડીઓને બાયો-સુરક્ષિત બબલમાં રાખવામાં આવી રહ્યા છે અને તેમના બહાર નીકળવા પર અથવા કોઈને પણ મળવા પર પ્રતિબંધ છે. એટલું જ નહીં ખેલાડીઓ તેમના પરિવારને કોઈપણ ટૂર પર નહીં લઈ જઈ શકે. આ પ્રતિબંધોને જોતાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઓપનર ડેવિડ વોર્નરને લાગે છે કે આ સ્થિતિમાં ખેલાડીઓ પરિવારથી દૂર રહેવાને બદલે સંન્યાસ લેશે.
33 વર્ષીય વોર્નરનું માનવું છે કે, ખેલાડીઓ માટે તેમના પરિવારથી દૂર રહેવું સરળ નથી. તેણે ESPNcricinfo સાથે વાત કરતાં કહ્યું કે, ‘મારી ત્રણ દીકરીઓ અને પત્ની મારી કારકિર્દીનો મહત્વપૂર્ણ ભાગ છે. તમારે હંમેશાં સૌથી પહેલા તમારા પરિવાર વિશે વિચારવું જોઈએ અને જ્યારે આવી કોઈ મુશ્કેલ પરિસ્થિતિ હોય ત્યારે તમારે ગંભીર નિર્ણયો લેવા પડતા હોય છે. આ વખતે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી 20 વર્લ્ડ કપ મુલતવી રાખવામાં આવ્યો છે. હવે જ્યારે ટી -20 વર્લ્ડ કપ ભારતમાં યોજાશે ત્યારે મારે તેના વિશે ફરીથી વિચાર કરવો પડશે.
79 ટી-20 ક્રિકેટ મેચોમાં 2,207 રન બનાવનાર વોર્નરે મે મહિનામાં કહ્યું હતું કે 2021માં ભારતમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ બાદ તે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે. તેણે કહ્યું હતું કે, “સતત બે ટી-20 વર્લ્ડ કપ રમવાના છે અને ટી-20 ક્રિકેટ સાથે કારકિર્દી શરૂ કર્યા પછી, મને લાગે છે કે હવે યુવા ખેલાડીઓને તક મળવી જોઈએ.”