યુએઈમાં IPL2020: મોદી સરકાર તરફથી લીલી ઝંડીની જોવાતી રાહ

દુબઈઃ એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ એવા અહેવાલોને સમર્થન આપ્યું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2020ની આવૃત્તિ યોજવા માટે એને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) તરફથી લેટર ઓફ ઈન્ટેન્ટ મળ્યો છે.

ઈસીબીના સેક્રેટરી જનરલ મુબાશીર ઉસ્માનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે અમને સત્તાવાર પત્ર મળ્યો છે અને હવે અમે ભારત સરકારના નિર્ણયની રાહ જોઈએ છીએ. એમની મંજૂરી મળશે એટલે આખરી મ્હોર લાગશે.

કોરોના વાઈરસનો ફેલાયો થયો હોવાથી આ વખતની આઈપીએલ સ્પર્ધાને ભારતની બહાર, યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)માં યોજવા માટે ભારત સરકારે મંજૂરી આપી દીધી છે એવી બીસીસીઆઈ તરફથી જાણકારી આપતી નોટિસ મળવાની અમે રાહ જોઈએ છીએ, એમ ઉસ્માનીએ કહ્યું છે.

બંને દેશના ક્રિકેટ બોર્ડે તો આ વિશે સંબંધિત અધિકારીઓ સાથે મસલત શરૂ પણ કરી દીધી છે.

કહેવાય છે કે યુએઈમાં આઈપીએલ-13 19 સપ્ટેંબરથી શરૂ થશે અને 8 નવેંબરે ફાઈનલ મેચ રમાશે. દુબઈ કોરોના વાઈરસના ચેપથી સુરક્ષિત રહ્યું છે.

ઉસ્માનીએ કહ્યું કે આઈપીએલ વિશ્વની સૌથી વધુ રોમાંચક, લોકપ્રિય અને આકર્ષક ટુર્નામેન્ટ છે. તેથી એનું યજમાન ભોગવવાનું અમને મન થયું છે. જો યુએઈ આઈપીએલ યોજે તો એ માટે અમારે કેટલાક નિષ્ણાતોની મદદ લેવી પડશે જે અમે અબુધાબી, દુબઈ અને શારજાહમાંથી બોલાવીશું.

2014માં પણ યુએઈ દ્વારા આઈપીએલની કેટલીક મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. એ વખતે ભારતમાં લોકસભાની ચૂંટણી હોવાને કારણે સ્પર્ધાની કેટલીક મેચો ભારત બહાર, યુએઈમાં રમાડવી પડી હતી.

યુએઈમાં દુબઈ, અબુધાબી અને શારજાહમાં વર્લ્ડ ક્લાસ ક્રિકેટ સ્ટેડિયમો છે. તેથી 8-ટીમની આઈપીએલ યોજી શકવાનો ઉસ્માનીને વિશ્વાસ છે.

દુબઈમાં, પ્રશાસને કોરોના વાઈરસના ચેપને રોકવા માટે ગયા ફેબ્રુઆરીની શરૂઆતથી જ પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું. હાલ આ દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે અને સાજા થતા લોકોની સંખ્યા વધી રહી છે.