વર્લ્ડકપ ભલે ન યોજાય, આઈપીએલ યોજાવી જ જોઈએઃ અખ્તરનો કટાક્ષ

લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની એમ કહીને ઝાટકણી કાઢી છે કે તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધા યોજવાનો માર્ગ મોકળો થાય એટલા માટે આ વર્ષના અંતભાગમાં નિર્ધારિત ટ્વેન્ટી-20 વર્લ્ડ કપને આઈસીસી પાસે સસ્પેન્ડ કરાવી.

અખ્તરે યૂટ્યૂબ પર જિયો ક્રિકેટ સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું કે, એશિયા કપ સ્પર્ધા પણ યોજી શકાઈ હોત. ભારત અને પાકિસ્તાનને સામસામે રમતા જોવાની મોટી તક હતી. એની પાછળ ઘણા કારણો છે. હું એમાં પડવા માગતો નથી. એવી જ રીતે, T20 વર્લ્ડ કપ પણ રમાડી શકાઈ હોત, પણ મેં અગાઉ કહ્યું તેમ એ લોકો તેને યોજવા દેવા માગતા જ નહોતા. આઈપીએલને કોઈ નુકસાન થવું ન જોઈએ. વર્લ્ડ કપ ભલે ભાડમાં જાય.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસ રોગચાળાને લીધે T20 વર્લ્ડ કપ, જે 18 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં યોજાવાની હતી, એ હવે મુલતવી રાખવામાં આવી છે. આ સ્પર્ધા સસ્પેન્ડ થવાથી આઈપીએલ આ જ વર્ષમાં યોજવાનો માર્ગ મોકળો થયો છે. બીસીસીઆઈ IPL-2020, જે આઈપીએલની 13મી મોસમ બની શકે છે, તેને યુનાઈટેડ આરબ અમિરાતમાં યોજવા વિચારે છે.

એશિયન ક્રિકેટ કાઉન્સિલે તો આ મહિનાના આરંભમાં જ જાહેર કરી દીધું હતું કે આ વર્ષે નિર્ધારિત એશિયા કપ રદ કરવામાં આવી છે.

શોએબ અખ્તર ઉપરાંત પાકિસ્તાનના અન્ય ભૂતપૂર્વ ક્રિકેટર રશીદ લતીફને પણ ભારતીય ક્રિકેટ બોર્ડના નિર્ણયથી તકલીફ થઈ છે. એણે પણ બીસીસીઆઈ પર આરોપ મૂક્યો છે કે આઈપીએલને કારણે જ ભારતે આ બધું કર્યું છે. શક્તિશાળી બીસીસીઆઈ ઈચ્છે છે કે આઈપીએલને નુકસાન થવું જોઈએ, T20 વર્લ્ડ કપ ભલે પડતો મૂકાય.

કોરોના ચેપનો ફેલાવો રોકવા માટે આઈસીસીએ T20 વર્લ્ડ કપને એક વર્ષ માટે મોકૂફ રાખી દીધી છે.