કોમનવેલ્થ-ગેમ્સઃ પેરા-TTમાં ભાવિનાએ સુવર્ણ, સોનલે કાંસ્ય જીત્યો

બર્મિંઘમઃ અહીં રમાતી કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભારતે જીતેલી મેડલ્સની સંખ્યા વધી ગઈ છે. દિવ્યાંગજનો માટેની ટેબલ ટેનિસ રમતમાં મહિલા સિંગલ્સની હરીફાઈમાં ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મુકાબલામાં એમણે નાઈજિરિયાની ક્રિસ્ટિનાને 12-10, 11-2, 11-9થી પરાજય આપ્યો હતો. ભાવિનાબેને 2020ની ટોક્યો પેરાલિમ્પિક્સમાં રજત ચંદ્રક જીત્યો હતો.

બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં, ગુજરાતનાં જ સોનલબેન મનુભાઈ પટેલે દિવ્યાંગજનો માટેની ટેબલ ટેનિસમાં મહિલા સિંગલ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. એમણે ઈંગ્લેન્ડનાં સ્યૂ બેઈલીને 11-5, 11-2, 11-3થી પરાજય આપ્યો હતો. 

પેરા-વેઈટલિફ્ટિંગ રમતમાં, પુરુષોના વર્ગમાં, સુધીરે હેવીવેઈટ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કરીને ભાવિના પટેલને અભિનંદન આપ્યાં છે.

મહિલા, પુરુષ કુસ્તીમાં ભારતને 3 ગોલ્ડ મળ્યા

દરમિયાન, કુસ્તીની રમતમાં, ભારતને ત્રણ ગોલ્ડ મેડલ મળવા સાથે દેશે આ રમતોત્સવમાં જીતેલા ગોલ્ડ મેડલની સંખ્યા 13 પર પહોંચી છે. મહિલાઓનાં વર્ગમાં, વિનેશ ફોગાટે ફ્રિસ્ટાઈલ 53-કિ.ગ્રા. હરીફાઈમાં શ્રીલંકાની ચમોદ્યા કેશાનીને હાર આપી હતી.

પુરુષોના વર્ગમાં, નવીને 74-કિ.ગ્રા. ફ્રીસ્ટાઈલ હરીફાઈમાં પાકિસ્તાનના મોહમ્મદ શરીફ તાહિરને પરાજય આપ્યો હતો. 19 વર્ષના નવીને આ પહેલી જ વાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો છે. તે અન્ડર-23 સ્પર્ધામાં વર્લ્ડ ચેમ્પિયન પણ છે.

2020 ટોક્યો ઓલિમ્પિક્સ વખતે એને કોરોના થતાં સ્પર્ધામાં ભાગ લઈ શક્યો નહોતો.

પુરુષોની ફ્રીસ્ટાઈલ 57 કિ.ગ્રા. હરીફાઈમાં, રવિકુમાર દહિયાએ પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. એણે ફાઈનલ મુકાબલામાં નાઈજિરીયાના વેલ્સનને 10-0થી પરાજય આપ્યો હતો.

હરિયાણાનો 24-વર્ષનો દહિયા ત્રણ વખત એશિયન ચેમ્પિયન બની ચૂક્યો છે અને વિશ્વ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

(તસવીર સૌજન્યઃ @NisithPramanik, @ParalympicIndia)