મોરોક્કો ભૂકંપગ્રસ્તોને પોતાની હોટેલમાં આશરો આપવાની રોનાલ્ડોની ઓફર

મારાકેશ (મોરોક્કો): મોરોક્કો દેશમાં ગયા શુક્રવારે આવેલો 6.8ની તીવ્રતાનો ભૂકંપ 2000થી વધારે લોકોને ભરખી ગયો છે, અસંખ્ય લોકોને ઘાયલ કર્યા છે અને સંપત્તિને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. દુનિયાનો લોકપ્રિય ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો મોરોક્કોના મારાકેશ શહેરમાં લક્ઝરી હોટેલની માલિકી ધરાવે છે. તેનું નામ છે ‘હોટેલ પેસ્ટાના CR7’. પોર્ટુગલ અને અલ-નાસર ક્લબનો ફૂટબોલર રોનાલ્ડો યૂરોપ અને મધ્ય પૂર્વના દેશોમાં હોટેલ્સની ચેન ધરાવે છે. મોરોક્કોમાં આવેલા ભૂકંપને કારણે અચાનક બેઘર થઈ ગયેલા લોકોને પોતાની હોટેલમાં આશરો આપવાની રોનાલ્ડોએ તૈયારી બતાવી છે.

38 વર્ષના રોનાલ્ડોની આ હોટેલ 4-સ્ટાર છે. તે મારાકેશ શહેરની હદમાં આવેલી છે. આ હોટેલ અનેક પ્રકારની વૈભવી સુવિધાઓથી સંપન્ન છે. જેમ કે, આઉટડોર સ્વિમિંગ પૂલ, ફિટનેસ સેન્ટર, રેસ્ટોરન્ટ અને ટેરેસ.