TDP ચીફ ચંદ્રબાબુ નાયડુને ભ્રષ્ટાચાર કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુને ભ્રષ્ટાચારના કેસમાં રવિવારના રોજ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. નાયડુને 14 દિવસ માટે રાજમુન્દ્રી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી નાયડુને શનિવારે રાત્રે 3.40 કલાકે મેડિકલ તપાસ માટે વિજયવાડાની સરકારી જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ પહેલા અહીં કંચનપલ્લીમાં લગભગ 10 કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. CID ટીમે શનિવારે સવારે લગભગ 6 વાગ્યે નંદ્યાલ શહેરના જ્ઞાનપુરમ ખાતે આરકે ફંક્શન હોલની બહારથી પૂર્વ કેન્દ્રીય મંત્રી નાયડુની ધરપકડ કરી હતી. નાયડુ તમામ સુવિધાઓથી સજ્જ પોતાની બસમાં સૂતા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

શું છે મામલો?

આંધ્રપ્રદેશ પોલીસે શનિવારે કથિત કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડમાં નાયડુને મુખ્ય કાવતરાખોર ગણાવ્યા હતા. આ કથિત કૌભાંડને કારણે રાજ્ય સરકારને 300 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો આરોપ છે.