અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલથી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધાનો આરંભ થશે. પહેલી મેચ ગઈ વેળાના ચેમ્પિયન્સ ઈંગ્લેન્ડ અને રનર્સ-અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ પૂર્વે ન્યૂઝીલેન્ડને બીજો મોટો ફટકો પડ્યો છે. તેનો ફાસ્ટ બોલર ટીમ સાઉથી હાથના અંગૂઠામાં કરેલી સર્જરીમાંથી હજી સાજો થઈ શક્યો નથી અને તે આવતીકાલની મેચમાં રમી નહીં શકે. ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સન પણ પહેલી મેચમાં રમી શકવાનો નથી. એ ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણપણે સાજો થયો નથી.
સાઉથીને ગયા મહિને ઈંગ્લેન્ડ સામેની વન-ડે ઈન્ટરનેશનલ મેચ વખતે એક કેચ પકડવા જતાં હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. એને અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું. જોકે એ ઈજામાંથી સાજો થઈ રહ્યો હોવાથી વર્લ્ડ કપ માટે ભારત રવાના થયેલી ન્યૂઝીલેન્ડ ટીમ સાથે જોડાવાની એને પરવાનગી આપવામાં આવી હતી.
વિલિયમ્સને પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા સામેની વોર્મ-અપ મેચમાં બેટિંગ જરૂર કરી હતી અને અનુક્રમે 54 અને 37 રનનો સ્કોર કર્યો હતો. તે છતાં તે ઈંગ્લેન્ડ સામેની પહેલી મેચમાં રમી શકવાનો નથી.