મહિલાઓની ટીમે લોન-બોલ રમતમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

બર્મિંઘમઃ અહીં રમાતી 22મી કોમનવેલ્થ ગેમ્સમાં આજે પાંચમા દિવસે ભારતે ચોથો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેડલ અપાવનાર છે ચાર મહિલાઓની ટીમ, જેમણે લોન બોલ્સ રમતમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ચાર મહિલા છેઃ લવલી ચૌબે, પિન્કી, નયનમોની સૈકિયા અને રૂપા રાની. આ ચાર જણની ટીમે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાની ચાર મહિલાઓની ટીમને 17-10 સ્કોરથી પરાજય આપ્યો હતો. આ રમતમાં ભારતે આ પહેલી જ વાર ભાગ લીધો હતો.

લવલી ચૌબેએ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેઓ ઝારખંડ પોલીસમાં કોન્સ્ટેબલ છે. રૂપા રાની રાંચીની છે, પિંકી દિલ્હીની શાળામાં સ્પોર્ટ્સ ટીચર છે જ્યારે નયનમોની આસામમાં એક ખેડૂત પરિવારની છે અને રાજ્યના વનવિભાગમાં નોકરી કરે છે.

ભારતને વર્તમાન ગેમ્સમાં અત્યાર સુધીમાં મીરાબાઈ ચાનૂ, જેરેમી લાલરિનુંગા અને અંચિતા શેઉલી સુવર્ણ ચંદ્રક અપાવી ચૂક્યાં છે. આ ત્રણેય ગોલ્ડ ભારતને વેઈટલિફ્ટિંગ રમતની હરીફાઈઓમાં મળ્યા છે.