મારી ઈજા ગંભીર નથીઃ રોહિત શર્માની સ્પષ્ટતા

સેન્ટ કિટ્સઃ અહીંના વોર્નર પાર્ક મેદાન પર ગઈ કાલે રમાઈ ગયેલી ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 7-વિકેટથી પરાજય આપીને પાંચ-મેચોની શ્રેણીમાં પોતાની સરસાઈ 2-1થી વધારી દીધી છે. હવે શ્રેણીની બાકીની બે મેચ રમવા માટે બંને ટીમના ખેલાડીઓ અમેરિકા જશે અને ફ્લોરિડા રાજ્યના લૌડરહિલ શહેરના સેન્ટ્રલ બ્રોવર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમના ટર્ફ મેદાન પર રમશે. ચોથી મેચ 6 ઓગસ્ટે અને પાંચમી તથા છેલ્લી મેચ 7 ઓગસ્ટે રમશે. બંને મેચ ભારતીય સમય મુજબ, રાતે 8 વાગ્યે શરૂ થશે.

ગઈ કાલની મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 164 રન કર્યા હતા. તેના જવાબમાં, ભારતે 19 ઓવરમાં 3 વિકેટ ખોઈને 165 રન કરીને મેચ જીતી લીધી હતી. સૂર્યકુમાર યાદવને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે ઓપનર તરીકે 44 બોલમાં, 8 ચોગ્ગા, 4 છગ્ગા સાથે 76 રન કર્યા હતા. વિકેટકીપર રિષભ પંત 33 રન અને દીપક હુડા 10 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા 11 રન કર્યા બાદ સાથળના મૂળની નસ ખેંચાઈ જવાથી દાવમાંથી નિવૃત્ત થયો હતો. એને પગલે ટીમનું સુકાન સૂર્યકુમારે સંભાળ્યું હતું. મેચ બાદ રોહિતે પત્રકારો સમક્ષ હાજર થઈને સ્પષ્ટતા કરી હતી કે હું સ્વસ્થ છું. ચોથી મેચ પહેલાં અમુક દિવસનો બ્રેક મળશે એમાં હું એકદમ સાજો થઈ જઈશ એવી આશા છે.