કેપ ટાઉનઃ ગઈ કાલે અહીં ત્રીજી અને શ્રેણીની આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં પણ ભારતનો સાઉથ આફ્રિકા સામે પરાજય થયો. કે.એલ. રાહુલના નેતૃત્ત્વ હેઠળની ટીમ આખરી મેચ માત્ર 4-રનના માર્જિનથી હારી ગઈ અને તેનો 0-3થી વ્હાઈટવોશ પરાજય થયો. મેચ બાદ ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું, આ શ્રેણી ભારતીય ટીમ માટે આંખ-ઉઘાડનાર બની ગઈ છે. જોકે 2023ની ODI વર્લ્ડ કપ સ્પર્ધા પહેલા આપણી પાસે ઘણો સમય છે અને ભારતીય ટીમ નજીકના ભવિષ્યમાં વધારે સારો દેખાવ કરી શકે છે. વન-ડે ટીમના કોચ તરીકે આ મારી પહેલી જ શ્રેણી હતી. આપણી ટીમ 2019ની વર્લ્ડ કપ સ્પર્ધા પછી બહુ ઓછી વન-ડે મેચો રમી છે.
ગઈ કાલની વન-ડે મેચમાં શિખર ધવનના 61, વિરાટ કોહલીના 65 અને દીપક ચાહરના 34 બોલમાં 54 રનના યોગદાન છતાં ભારત 288 રનનો ટાર્ગેટ ચેઝ કરી ન શક્યું અને ટેમ્બા બાવૂમાના નેતૃત્ત્વવાળી સાઉથ આફ્રિકા ટીમ ત્રીજી મેચ પણ જીતીને શ્રેણી 3-0થી કબજે કરી ગઈ. ભારતીય ટીમ 49.2 ઓવરમાં 283 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાનો વિકેટકીપર-ઓપનર ક્વિન્ટન ડી કોક 124 રનના દાવ બદલ ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ એવોર્ડ જીતી ગયો.