આફ્રિકી કપની ફૂટબોલ મેચમાં નાસભાગમાં આઠ જણનાં મોત

કેમરુનઃ કેમરુનમાં આફ્રિકા કપ ઓફ નેશન્સ ફૂટબોલ ટુર્નામેન્ટમાં સ્ટેડિયમની બહાર નાસભાગ મચી જવાથી આઠ જણનાં મોત થયાં હતાં અને 50 લોકો ઘાયલ થયા હતા. આવી સ્થિતિમાં ઘણા લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બાળકોને પણ કચડી નાખ્યા હતા. ઘાયલોમાં બાળકો પણ સામેલ છે. આ ઘટના સોમવારે કેમરુનની રાજધાનીના ઓલેમ્બો સ્ટેડિયમમાં બની હતી.

કેમરૂન અને કોમોરોસ વચ્ચે 24 જાન્યુઆરીએ અંતિમ-16 રાઉન્ડની મેચ હતી. આ મેચ જોવા લોકોની ભીડ એકઠી થઈ હતી. આ મેચ જોવા માટે પ્રવેશદ્વાર પર જ નાસભાગ મચી ગઈ હતી. કોન્ફેડરેશન ઓફ આફ્રિકન ફૂટબોલે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

ઓલેમ્બે સ્ટેડિયમની કુલ ક્ષમતા 60,000 દર્શકોની છે. વળી, કોરોના રોગચાળાને કારણે અહીં 80 ટકા દર્શકોને જ મેચ જોવાની મંજૂરી આપવામાં આવી હતી. એેવામાં પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે 50,000થી વધુ લોકો મેચ જોવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે 40 ઘાયલોમાં બાળકો પણ સામેલ છે.

કેમરુનની ટીમ ક્વોલિફાય કરવાની રેસમાં પોતાના ગ્રુપમાં સૌથી છેલ્લા ક્રમાંક પર છે, તેવામાં કોમોરોસ સામે જીતની સાથે કેમરુન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું હોઈ, જેથી દર્શકો આ રોમાંચક મેચમાં ટીમનો ઉત્સાહ વધારવા માટે મેચ જોવા પહોંચ્યા હતા.

કેમરુનની સેન્ટ્રલ રિજિયનના ગવર્નર નસેરી પોલ બિયાના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં ઘાયલ લોકોની સ્થિતિ ઘણી ગંભીર છે. કોન્ફેડરેશન ઓફ આફ્રિકન ફૂટબોલે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ અને આ કેસની તપાસ કરી રહ્યા છીએ. અત્યારે અમે ઘટના કેવી રીતે બની એની સંપૂર્ણ માહિતી એકઠી કરી રહ્યા છીએ.