અમેરિકાના સેરિટોઝમાં ભારતીયો દ્વારા પ્રજાસત્તાકદિન પર્વની ઉજવણી

સેરિટોઝ સિટીઃ ભારતમાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે વિદેશમાં વસતા ભારતીયો પણ તેમને ત્યાં ભારતીય પ્રજાસત્તાક દિનની ઉજવણી કરતા હોય છે. અમેરિકાના સેરિટોઝ સિટી ખાતે ભારતીયો દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યાં હતાં.

લોસ એન્જલસના સેરિટોઝ સિટીના ટાઉન સેન્ટર હોલ ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વ દિનની ઉજવણીના સમારોહમાં ભારતના એમ્બેસેડર ડો. ટી.વી. નાગેન્દ્ર પ્રસાદ, એનાહેમ સિટીના મેયર હેરી સીધુ, સેરિટોક સિટીના પોલીસ ચીફ કેપ્ટન મિહન ડિન,  ઉદ્યોગપતિ અવધેશ અગ્રવાલ, ઈન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડેન્ટ તથા લેબોન હોસ્પાલિટી ગ્રુપના યોગી પટેલ, ઇન્ડિયન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન પરીમલ શાહ તથા સુરેશ મોદી સહિત મોટી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. ટી.વી. નાગેન્દ્ર પ્રસાદે આ સમારોહના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા અને ભારતના પ્રજાસત્તાક દિન પર્વની સર્વેને શુભેચ્છા પાઠવી હતી. ભારતે પ્રજાસત્તાક દેશ તરીકે સાત દાયકામાં કરેલા વિકાસ અને પ્રગતિની ઝલક આપી હતી. ભારત દેશ આગામી ૧૫ ઓગસ્ટે આઝાદીના ૭૫ વર્ષ પૂરા કરી રહ્યો છે તેની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 75 સપ્તાહ સુધી થનારી ઉજવણીનો પણ એમણે ઉલ્લેખ કર્યો હતો.

કેપ્ટન ડિને પ્રાસંગિક પ્રવચનમાં અમેરિકાના વિકાસમાં ભારતીય મૂળના લોકોનાં યોગદાનને બિરદાવ્યું હતું.

લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે જણાવ્યું હતું કે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ૭૨ વર્ષ પૂરા કરી ૭૩મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ભારતે પ્રગતિ કરી છે તેમાં ભારતીયોનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. એક પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ભારતે અનેકવિધ ધર્મ, પ્રદેશ સાથે પણ સંગઠિત રીતે રહીને વિકાસ કરી શકાય તેનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ બધું ભારતીયોની લોકતાંત્રિક ભાવનાને કારણે બન્યું છે.

પરિમલ શાહે પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રગાન સાથે સમારોહની પૂર્ણાહૂતિ થઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]