ચેમ્પિયન ટ્રોફીઃ ટીમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં જાય

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે, પણ ટીમ ઇન્ડિયાની એ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન જવાની સંભાવના નથી. જેથી ભારતની મેચો માટે બે જગ્યા પસંદ કરવામાં આવી છે. જોકે એ જગ્યાની અંતિમ પસંદગી બાકી છે. ICC એને લઈને છેલ્લો નિર્ણય લેશે.

ચેમ્પિયન ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને મળી છે. PCBએ એના માટે ડ્રાફ્ટ શિડ્યુઅલ બનાવીને ICCને સોંપી દીધો છે. ત્યાર બાદ ICC તરફથી એ ટુર્નામેન્ટમાં સામેલ થનારા દેશોના ક્રિકેટ બોર્ડની સલાહ લેવામાં આવી રહી છે. PCB અનુસાર ભારતની બધી મેચ લાહોરમાં કરાવાની હતી, પણ હવે શિડ્યુલમાં ફેરફાર થશે. પાકિસ્તાને આ ટુર્નામેન્ટ માટે ત્રણ સ્થળો પસંદ કર્યાં છે. એમાં લાહોર, રાવલપિંડી અને કરાચી સામેલ છે. આ ટુર્નામેન્ટનું આયોજન 19 ફેબ્રુઆરીથી નવ માર્ચ સુધી ચાલશે.

એક અહેવાલ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ અંગે ICC સાથે વાત કરશે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઈબ્રિડ મોડલ હેઠળ થઈ શકે છે. ટીમ ઇન્ડિયાની મેચો દુબઈ અથવા શ્રીલંકામાં યોજવામાં આવે એવી શક્યતા છે. એવું પણ બની શકે કે ટીમ ઇન્ડિયા તેની મેચ દુબઈ અથવા શ્રીલંકામાં રમે અને બાકીની મેચ પાકિસ્તાનમાં યોજાય. આ પહેલાં એશિયા કપમાં પણ કંઈક આવું જ બન્યું હતું. ભારતે તેની તમામ મેચો શ્રીલંકામાં રમી હતી. આ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન ગ્રુપ Aમાં છે. આ સાથે ન્યુ ઝીલેન્ડ અને બંગલાદેશ પણ આ ગ્રુપમાં છે. ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા છે.