સિનિયર ક્રિકેટરો માટે નવા કોન્ટ્રાક્ટઃ પાંચ ખેલાડી A+ કેટેગરીમાં

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સિનિયર પુરુષ ખેલાડીઓ માટે નવા કેન્દ્રીય કોન્ટ્રાક્ટ્સની આજે જાહેરાત કરી છે. એ મુજબ, A+ કેટેગરીમાં ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિત પાંચ ખેલાડીઓ છે.

પરંતુ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સિનિયર ઓફ્ફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ટોચની પાયરી પરથી નીચેની પાયરીએ ઉતારી દેવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સે A+ નામની નવી કેટેગરી બનાવી છે. એમાં કોહલી ઉપરાંત રોહિત શર્મા, શિખર ધવન અને બે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ભૂવનેશ્વર કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

A+ કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક રૂ. 7 કરોડનું મહેનતાણું મળશે.

આનો મતલબ એ કે, ધવનનો પગાર ગયા વર્ષ કરતાં 1300 ટકા વધી ગયો છે જ્યારે, રોહિત શર્મા, ભૂવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને 600-600 ટકા વધારે આવક મળશે. ત્રણેય ફોર્મેટમાં રમતા ખેલાડીઓનો પગાર વધ્યો છે.

ગયા વર્ષે શિખર ધવનને વાર્ષિક 50 લાખ મળતા હતા જ્યારે ધવન, ભૂવનેશ્વર અને બુમરાહને એક-એક કરોડ રૂપિયાનો પગાર મળતો હતો.

ધોની હવે માત્ર મર્યાદિત ઓવરોવાળી ફોર્મેટમાં જ રમે છે. એને A કેટેગરીમાં ઉતારી દેવામાં આવ્યો છે. આ કેટેગરીમાં સામેલ ક્રિકેટરોને વાર્ષિક રૂ. પાંચ કરોડ મળશે. આ કેટેગરીમાં ધોની અને અશ્વિન ઉપરાંત રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે અને રિદ્ધિમાન સહા છે.

એવી જ રીતે, અશ્વિનને ભલે એક કેટેગરી ઉતારી દેવામાં આવ્યો છે, પણ એનો પગાર વધ્યો છે. એને ગયા વર્ષે બે કરોડ રૂપિયા મળતા હતા, આ વર્ષે પાંચ કરોડ મળશે. એનો પગાર દોઢસો ટકા વધી ગયો છે. જાડેજા, પૂજારા અને રહાણેનો પગાર પણ દોઢસો ટકા વધ્યો છે.

ક્રિકેટ બોર્ડે 26-ખેલાડીઓની યાદી ઘોષિત કરી છે. આશ્ચર્યજનક રીતે એમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ નથી. યોગાનુયોગ, શમીનું નામ એની પત્ની હસીનજહાંએ કરેલા અનૈતિક સંબંધોના આરોપને કારણે બદનામ થયું છે. આમ, શમીને માટે આજે બે આંચકા સહન કરવા પડ્યા છે.

હસીનજહાંએ એવો આરોપ મૂક્યો છે કે મોહમ્મદ શમીને કેટલીક મહિલાઓ સાથે અનૈતિક સંબંધો છે. એટલું જ નહીં, શમી પોતાની સાથે બે વર્ષથી છેતરપીંડી કરે છે અને ગાળો દે છે, માનસિક અને શારીરિક ત્રાસ આપે છે એવો પણ હસીનજહાંએ આરોપ મૂક્યો છે.

શમીએ આ આરોપોને રદિયો આપ્યો છે. એણે કહ્યું છે કે મારા અંગત જીવનને લગતા આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. મને બદનામ કરવાનું અને મારી રમત બગાડવાનું મારી વિરુદ્ધ મોટું કાવતરું ઘડવામાં આવ્યું છે.

ગ્રેડ Bમાં સામેલ થયેલા ક્રિકેટરોને વાર્ષિક ત્રણ કરોડ અને ગ્રેડ Cમાં સામલે થયેલા ક્રિકેટરોને રૂ. એક કરોડનું વેતન મળશે.

આ વાર્ષિક કોન્ટ્રાક્ટ 2017ના ઓક્ટોબરથી 2018ના સપ્ટેંબર સુધીના છે.

કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સે ખેલાડીઓના દેખાવના આધારે એમનું ફી માળખું તૈયાર કરવું જોઈએ અને આ માળખું દુનિયાના અન્ય ક્રિકેટ રમતા દેશોની તુલનાએ બેસ્ટ હોવું જોઈએ.

મિતાલી રાજને મળશે રૂ. 50 લાખ

ક્રિકેટ બોર્ડે દેશની મહિલા ક્રિકેટરો માટે પણ વાર્ષિક આવકનું માળખું તૈયાર કર્યું છે. વર્લ્ડ કપમાં ભારતને રનર્સ-અપ ટ્રોફી અપાવનાર કેપ્ટન મિતાલી રાજ, બોલર ઝુલન ગોસ્વામી, બેટ્સવુમન હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાને ટોચની કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે. આ કેટેગરી માટે વાર્ષિક મહેનતાણું રૂ. 50 લાખ નક્કી થયું છે.

સિનિયર પુરુષોની ક્રિકેટ ટીમના વાર્ષિક પ્યેલર કોન્ટ્રાક્ટની વિગત:

ગ્રેડ A+ (રૂ. 7 કરોડ) – વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ભૂવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ.

ગ્રેડ A (રૂ. 5 કરોડ) – રવિચંદ્રન અશ્વિન, મહેન્દ્ર સિંહ ધોની, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, રિદ્ધિમાન સહા.

ગ્રેડ B (રૂ. 3 કરોડ) – લોકેશ રાહુલ, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ, યૂઝવેન્દ્દર ચહલ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, ઈશાંત શર્મા.

ગ્રેડ C (રૂ. 1 કરોડ) – કેદાર જાધવ, મનીષ પાંડે, અક્ષર પટેલ, કરુણ નાયર, સુરેશ રૈના, પાર્થિવ પટેલ, જયંત યાદવ.