પત્નીની ફરિયાદને પગલે મોહમ્મદ શમી સામે પોલીસે FIR નોંધી

કોલકાતા – ભારતના ક્રિકેટર (ફાસ્ટ બોલર) મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ એનાં પતિ શમી સામે વ્યભિચાર, અત્યાચાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવ્યા બાદ કોલકાતા શહેરના એક પોલીસ સ્ટેશને શમી તથા એના પરિવારના અન્ય ચાર સભ્યો સામે એફઆઈઆર કેસ નોંધી છે.

હસીન જહાંએ ગઈ કાલે, ગુરુવારે કોલકાતા શહેરના જાધવપુર પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ શમી તથા એના પરિવારના સભ્યોની સામે લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી.

અગાઉ હસીન જહાંએ શમી તથા અનેક મહિલાઓ વચ્ચેની કથિત વાતચીતનાં સ્ક્રીનશોટ્સ ફેસબુક પેજ પર પોસ્ટ કર્યા હતા. જહાંએ પોતાનાં આક્ષેપોના ટેકામાં પુરાવા તરીકે મોહમ્મદ શમીની કેટલીક તસવીરો શેર પણ કરી હતી.

હસીન જહાંએ સોશિયલ મિડિયા તથા ટીવી ચેનલો પર પતિ શમી તથા એનાં સગાંઓ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા.

પોલીસે મોહમ્મદ શમી સામે ભારતીય ફોજદારી ધારા (આઈપીસી)ની અનેક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેમ કે, 498-A (મહિલા સાથે ક્રૂરતાભર્યો વ્યવહાર કરનાર મહિલાનાં પતિ અથવા પતિનાં સગાંઓ), 323 (હાનિ પહોંચાડવી), 307 (હત્યાનો પ્રયાસ), 376 (બળાત્કાર માટે સજા), 506 (ગુનાઈત ધમકી), 328 (ગુનો કરવાના ઈરાદા સાથે ઝેર વગેરે જેવા સાધનો દ્વારા કોઈને હાનિ પહોંચાડવી), 34 (સમાન ઈરાદાને આગળ વધારતી અનેક વ્યક્તિઓની પ્રવૃત્તિ).

મોહમ્મદ શમીએ તેની સામેના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

શમી મૂળ ઉત્તર પ્રદેશનો ક્રિકેટર છે, પણ રણજી ટ્રોફીમાં બંગાળ ટીમ વતી રમે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]