મુંબઈઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023ની ભારતમાં આજથી શરૂઆત થઈ ચૂકી છે. અનેક જણ મેચો જોવાનો આનંદ સ્ટેડિયમમાં જઈને મેળવશે તો બીજા ઘણા લોકો ઘરમાં બેસીને ટીવી પર જોઈને.
જાપાનની અગ્રગણ્ય કાર ઉત્પાદક કંપની નિસાનની ભારતીય પેટાકંપની નિસાન મોટર ઈન્ડિયા પ્રા. લિમિટેડે ભારતના ક્રિકેટપ્રેમીઓ માટે એક આકર્ષક ઓફર ‘ટેસ્ટ ડ્રાઈવ એન્ડ વિન ટિકટ’ની જાહેરાત કરી છે. આ ઓફર અંતર્ગત તમને માત્ર કાર ચલાવતા આવડવી જોઈએ.
આ ઓફર અંતર્ગત તમારે નિસાન શોરૂમની મુલાકાતે જવું પડે અને ત્યાંની નિસાન મેગ્નાઈટ કારની ટેસ્ટ ડ્રાઈવ કરવી પડે. આ કારની ટેસ્ટ ડ્રાઈવ કરનાર કોઈ પણ વ્યક્તિને નિસાન કંપની તરફથી વર્લ્ડ કપ મેચની ટિકિટ આપવામાં આવશે. ટેસ્ટ ડ્રાઈવ કરનાર વ્યક્તિએ એક લોટરીમાં સહભાગી થવાનું રહેશે. એ લોટરીમાં લકી વિજેતાને વર્લ્ડ કપની મેચની ટિકિટ આપવામાં આવશે. વર્તમાન વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ શકે છે એવી શક્યતા ક્રિકેટ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
નિસાન કંપની વર્તમાન વર્લ્ડ કપ સ્પર્ધાની સત્તાવાર એક્સક્લુઝિવ ઓટોમોટિવ ભાગીદાર છે અને નિસાન મેગ્નાઈટ વર્લ્ડ કપની સત્તાવાર કાર છે. આઈસીસી સાથે નિસાનની ભાગીદારીનું આ 8મું વર્ષ છે.