મુંબઈઃ ભારતીય ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયામાં રમાનાર આગામી T20 વર્લ્ડ કપ સ્પર્ધા માટે ભારતીય ટીમની આજે જાહેરાત કરી છે. રોહિત શર્મા કેપ્ટન અને કે.એલ. રાહુલ વાઈસ-કેપ્ટન છે. ટીમમાં ગુજરાતના ચાર ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે – જસપ્રિત બુમરાહ (અમદાવાદ), હાર્દિક પંડ્યા (વડોદરા) અક્ષર પટેલ (આણંદ) અને હર્ષલ પટેલ (સાણંદ). સ્પર્ધા 16 ઓક્ટોબરથી શરૂ થશે. ભારત તેની પહેલી મેચ 23 ઓક્ટોબરે હોબાર્ટના બેલેરાઈવ ઓવલ મેદાન પર પાકિસ્તાન સામે રમશે, જે ભારતીય સમય મુજબ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
ભારતીય ટીમમાં બે ફાસ્ટ બોલર – જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલનું પુનરાગમન થયું છે. આ બંને બોલર ઈજાને કારણે એશિયા કપમાં રમી શક્યા નહોતા. હવે બંને જણ ફિટ થઈ ગયા છે. પરંતુ, જામનગરનિવાસી રવિન્દ્ર જાડેજા જમણા ઘૂંટણની ઈજા અને સર્જરીને કારણે ટીમની બહાર છે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, જસપ્રિત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.
સ્ટેન્ડ બાય ખેલાડીઓઃ મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ અને દીપક ચાહર.
સ્પર્ધાની સેમી ફાઈનલ મેચો 9, 10 નવેમ્બરે અનુક્રમે સિડની અને એડીલેડમાં અને ફાઈનલ 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાશે.