કેનબેરાઃ ઓસ્ટ્રેલિયા સામે પહેલી બંને વન-ડે ઈન્ટરનેશનલ હારી જઈને વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમ 3-મેચની સિરીઝને ગુમાવી બેઠી છે. આ પરાજયને કારણે ટીમ ઈન્ડિયાની વ્યાપક ટીકા કરવામાં આવી છે. પરંતુ મિડલ-ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરે એક મહત્ત્વનું નિવેદન કર્યું છે. એણે કહ્યું છે કે આઈપીએલ-2020નો વર્કલોડ ખેલાડીઓના દેખાવ પર માઠી અસર પાડી રહ્યો છે.
સિડનીમાં પહેલી બે વન-ડે મેચ હારી ગયા બાદ ભારત હવે 2 ડિસેમ્બરે કેનબેરાના માનુકા ઓવલ મેદાન પર ત્રીજી અને સિરીઝની આખરી મેચ રમશે. આજે પત્રકારો સાથેની વાતચીતમાં ઐયરે કહ્યું કે આઈપીએલ જેવી ટ્વેન્ટી-20 સ્પર્ધામાં રમ્યા પછી 50-ઓવરવાળી ફોર્મેટમાં રમવામાં અનુકૂળ થવામાં ખાસ કરીને બોલરોને તકલીફ પડે છે. અમે પહેલાં આઈપીએલ-2020માં રમ્યા, ત્યાં સતત 14 મેચોમાં રમ્યા, પછી ઓસ્ટ્રેલિયામાં આવ્યા અને ક્વોરન્ટાઈનમાં રહ્યા. પરિણામે તમારા મન પર અસર પડવાની જ. માત્ર બોલરો જ નહીં, પણ દરેક ખેલાડીના મન પર અસર પડવાની.
ઉલ્લેખનીય છે કે, સિડનીમાંની બંને વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાના અનુક્રમે 374 અને 389 રનના તોતિંગ સ્કોર સામે ભારતના બેટ્સમેનોએ 300થી વધારે રન કરીને સારો પ્રતિકાર કર્યો હતો, પરંતુ બંને મેચમાં ભારતના બોલરો સદંતર નિષ્ફળ ગયા હતા. મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ બંને મેચ મળીને કુલ 152 રન ખર્ચી નાખ્યા હતા અને માત્ર બે જ વિકેટ મેળવી હતી. તે છતાં શ્રેયસ ઐયરનું કહેવું છે કે અમે ત્રીજી વન-ડે મેચ જીતવા અને ક્લીન સ્વીપ હારને નિવારવા માટે દ્રઢનિશ્ચયી છીએ. ત્રીજી મેચમાં અમે કાંગારુઓને જોરદાર જવાબ આપીશું.