IPL-2023: ચેન્નાઈનો કેપ્ટન કોણ-બનશે? સ્ટોક્સ કે ઋતુરાજ?

ચેન્નાઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 16મી આવૃત્તિ આવતા વર્ષની 23મી માર્ચથી શરૂ થશે. એ માટે મિની ઓક્શન પ્રક્રિયા ગયા શુક્રવારે જ યોજાઈ ગઈ. ખેલાડીઓની એ હરાજીમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓની બોલબાલા રહી. તેના કુલ આઠ ખેલાડીઓ વેચાયા હતા. બે જણ તો વિક્રમસર્જક કિંમતે વેચાયા. સેમ કરનને રૂ. 18.50 કરોડમાં પંજાબ કિંગ્સ ટીમે ખરીદ્યો તો ચેન્નાઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને રૂ. 16.25 કરોડમાં ખરીદ્યો. ત્રીજા, હેરી બ્રૂકને સનરાઈઝર્સ હૈદરાબાદે 13.25 કરોડમાં ખરીદ્યો.

દરમિયાન, મહેન્દ્રસિંહ ધોની પછી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનું સુકાનીપદ કોને મળશે એ ચર્ચાનો વિષય બની ગયો છે. આ પહેલાં એવું કહેવાતું હતું કે ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ ટીમનું સુકાન સોંપવામાં આવશે. પરંતુ હવે સ્ટોક્સના આગમન બાદ ટીમના કેપ્ટનપદ માટે એનું નામ પણ ચર્ચામાં સામેલ થયું છે. ટીમના એક વરિષ્ઠ અધિકારીએ ‘ઈન્સાઈડ સ્પોર્ટ્સ’ને કહ્યું કે, સ્ટોક્સને ખરીદ્યાનો અમને બહુ જ આનંદ છે. એ મેચવિનર ખેલાડી છે અને ઈંગ્લેન્ડનો ઉત્તમ કેપ્ટન છે. હવે સ્ટોક્સને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો કેપ્ટન બનાવવો કે નહીં તે નિર્ણય મહેન્દ્રસિંહ ધોની લેશે. કોઈ વિદેશી ખેલાડીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવે છે ત્યારે ટીમ કોમ્બિનેશનમાં કાયમ સમસ્યા ઊભી થતી હોય છે. તેથી ઋતુરાજ ગાયકવાડનું નામ સુકાનીપદની રેસમાંથી હાલ દૂર નહીં કરાય.