‘મમ્મી-દાદી તો રડવા જ લાગ્યા હતા’: હેરી બ્રૂક

લંડનઃ આઈપીએલ-2023 માટે ખેલાડીઓની યોજાઈ ગયેલી હરાજીમાં હેરી બ્રૂક નવા સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે એને રૂ. 13.25 કરોડમાં ખરીદ્યો છે. હરાજી પૂર્વે પોતાને આવડી મોટી રકમ મળશે એવી બ્રૂકે જરાય કલ્પના પણ કરી નહોતી.

23 વર્ષીય બ્રૂકની બેઝ પ્રાઈસ દોઢ કરોડ રૂપિયા હતી. તેને ખરીદવા માટે બિડિંગ યુદ્ધની શરૂઆત રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમોએ કરી હતી. ત્યારબાદ બેંગલોર ટીમે પીછેહઠ કરી લીધી હતી અને સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે યુદ્ધને આગળ ચલાવ્યું હતું. આખરે હૈદરાબાદ ટીમે જ બાજી જીતી લીધી અને સૌથી ઊંચી રકમની બોલી લગાવીને બ્રૂકને ખરીદી લીધો હતો.

બ્રૂકે પોતાની પસંદગી અંગે પહેલી જ વાર પ્રત્યાઘાત આપ્યા છે. એક વીડિયો નિવેદનમાં તેણે કહ્યું છે કે, ‘હું મારી મમ્મી અને દાદી સાથે બેસીને જમતો હતો અને જેવો સનરાઈઝર્સ હૈદરાબાદે મને પસંદ કર્યો કે મમ્મી અને દાદી, બેઉ રડી પડ્યાં હતા. મને આ વખતે આઈપીએલમાં રમવાનો મોકો મળશે. હું એ બદલ ખૂબ જ ઉત્સાહિત અને કૃતજ્ઞ છું. સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ વતી રમવા માટે હું ઉત્સૂક છું. મેં સાંભળ્યું છે કે સનરાઈઝર્સ હૈદરાબાદ કેમ્પમાં વાતાવરણ અવિશ્વસનીય છે અને એમનું હોમ ગ્રાઉન્ડ સર્વોત્તમ છે.’