મુંબઈઃ 2008ની સાલથી રમાતી અને ભારે લોકપ્રિય થયેલી, ટીમદીઠ 20-20 ઓવરોવાળી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધામાં 2022ની સાલથી બે વધુ ટીમનો ઉમેરો કરાશે. એ સાથે જ સ્પર્ધા 8ને બદલે 10-ટીમની થશે. આ નિર્ણયને કારણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને રૂ. 5,000 કરોડની આવક થશે. હાલ આઈપીએલમાં આ આઠ ટીમ રમે છેઃ મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ.
નવી ટીમો માટેની બેઝ પ્રાઈસ (મૂળ કિંમત) રૂ. 2000 કરોડ રાખવામાં આવી છે. તે ઉપરાંત, બોલી લગાવવા ઈચ્છુક કોઈ પણ કંપનીએ બીડિંગ દસ્તાવેજ ખરીદવા માટે ક્રિકેટ બોર્ડને રૂ. 75 કરોડ ચૂકવવાના રહેશે. ક્રિકેટ બોર્ડ તથા સંકળાયેલી તમામ કંપનીઓ, સંસ્થાઓને ભરપૂર કમાણી કરાવતી આઈપીએલ સ્પર્ધાની 2022ની સીઝનમાં 74 મેચો રમાશે. જે કંપનીનું વાર્ષિક ટર્નઓવર મિનિમમ રૂ. 3,000 કરોડ હશે એને જ નવી ટીમની ખરીદી માટે બોલી લગાવવાની પરવાનગી અપાશે. નવી બે ટીમ અમદાવાદ, લખનઉ કે પુણે શહેરોની બની શકે છે. અદાણી ગ્રુપ, આરપીજી સંજીવ ગોએન્કા ગ્રુપ, જાણીતી ફાર્મા કંપની ટોરેન્ટ તથા એક નામાંકિત બેન્કરે ટીમ ખરીદવામાં સક્રિયપણે રસ બતાવ્યો છે.