અમદાવાદઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધાની હાલ રમાતી 15મી મોસમની ફાઈનલ મેચ અને પૂર્ણાહુતિ સમારોહ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજવા માગે છે. જો એ હકીકત બનશે તો ત્રણ વર્ષ પછી આ સ્ટેડિયમમાં મોટો સમારોહ યોજાશે. કોરોનાવાઈરસ ચેપી બીમારીને કારણે ક્રિકેટ બોર્ડને આ સ્ટેડિયમમાં છેલ્લા બે વર્ષથી પૂર્ણાહુતિ સમારોહ યોજવાનું રદ કરવું પડ્યું છે.
આઈપીએલ-15ની ફાઈનલ મેચ 29 મેએ રમાશે અને ત્યારબાદ પૂર્ણાહુતિ સમારોહ યોજાશે, એમ બીસીસીઆઈના એક સૂત્રએ એએનઆઈ સમાચાર સંસ્થાને જણાવ્યું છે. હાલ આઈપીએલની લીગ મેચો મહારાષ્ટ્રમાં ચાર સ્ટેડિયમમાં રમાઈ રહી છે – મુંબઈમાં વાનખેડે અને બ્રેબોર્ન સ્ટેડિયમ, નવી મુંબઈમાં ડી.વાય. પાટીલ સ્ટેડિયમ અને પુણેના એમસીએ સ્ટેડિયમમાં. પ્લે-ઓફ તબક્કાની મેચોની તારીખો હજી નક્કી થવાની બાકી છે.