WI પ્રવાસની ટીમમાંથી પુજારાને પડતો મૂકાયો; રહાણેને ફરી વાઈસ-કેપ્ટન બનાવાયો

મુંબઈઃ બે ટેસ્ટ મેચ, 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓ રમવા વેસ્ટ ઈન્ડિઝના આગામી પ્રવાસ માટેની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટેસ્ટ ટીમમાંથી ટોપ ઓર્ડર બેટર ચેતેશ્વર પુજારાને પડતો મૂકવામાં આવ્યો છે જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શામીને આ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમમાં યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ અને મુકેશ કુમારને પહેલી જ વાર પસંદ કરવામાં આવ્યા છે. ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ ટીમમાં કમબેક કર્યું છે જ્યારે ઉમેશ યાદવને પડતો મૂકાયો છે.

અજિંક્ય રહાણેને ટીમમાં ફરી સામેલ કરવામાં આવ્યો છે એટલું જ નહીં, ઉપસુકાનીપદ પણ એને ફરી સુપરત કરવામાં આવ્યું છે. હાલમાં જ લંડનના ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારત વતી રહાણે ટોપ સ્કોરર રહ્યો હતો. એનું તેને આ ઈનામ મળ્યું છે.

કેરીબિયન ખાતેના પાછલા પ્રવાસ વખતે ભારતે ટેસ્ટ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝ પર 2-0થી જીત હાંસલ કરી હતી.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમિનિકા ટાપુના રોસો શહેરના વિન્ડસર પાર્ક મેદાન પર અને બીજી તથા આખરી ટેસ્ટ મેચ 24 જુલાઈથી પોર્ટ ઓફ સ્પેન (ટ્રિનિડાડ)ના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાશે. ત્યારબાદ બંને ટીમ 27, 29 જુલાઈ અને 1 ઓગસ્ટે અનુક્રમે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમશે. પહેલી બે મેચ બાર્બેડોસના બ્રિજટાઉનના કેન્સિંગ્ટિન ઓવલ મેદાન પર રમાશે અને ત્રીજી મેચ ટ્રિનિડાડના ટેરોબાના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. તે પછી બંને ટીમ 3, 6, 8, 12, 13 ઓગસ્ટે પાંચ ટ્વેન્ટી-20 મેચ રમશે, જેમાં પહેલી મેચ ટ્રિનિડાડના લારા સ્ટેડિયમમાં, બીજી અને ત્રીજી મેચ ગયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં, ચોથી અને પાંચમી મેચ અમેરિકાના ફ્લોરિડાના લોડરહિલના સેન્ટ્રલ બ્રોવર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમમાં રમાશે.

ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, કે.એસ. ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈની.

ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને મુકેશ કુમાર.