લખનઉઃ ભારત અને શ્રીલંકાની વચ્ચે લખનઉમાં રમાયેલી પહેલી T20i મેચમાં ટીમ ઇન્ડિયાએ સરળતાથી શ્રીલંકાને હરાવ્યું હતું. ભારત ત્રણ મેચની સિરીઝમાં 1-0થી આગળ છે. આ મેચનો હીરો ઓપનર ઇશાન કિશન હતો, જેણે 89 રનની ધુઆંધાર ઇનિંગ્સ રમી હતી. તેણે કહ્યું હતું કે ઓપનર તરીકે રમવાને હલકામાં ના લઈ શકાય અને તેને મળનારી દરેક તક માટે તે તૈયાર છે.
શ્રીલંકા સામે ટીમ ઇન્ડિયાએ પહેલાં બેટિંગ કરતાં 199 રન બનાવ્યા હતા અને શ્રીલંકા માત્ર 137 રન બનાવી શક્યું હતું. ઇશાન કિશન અને શ્રેયસ ઐયરે અર્ધ સદી ફટકારી હતી. ઇશાન કિશને વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જ્યારે તમે ભારતની ટીમમાં રમો છો, ત્યારે તમારે આવતી દરેક તક માટે તૈયાર રહેવું જોઈએ અને ટીમમાં તમને ગમે તેવા ક્રમે બેટિંગ કરવા મોકલવામાં આવે –તમારે તૈયાર રહેવું જોઈએ.
અમારા સિનિયર્સ કે જેઓ તેમની પોઝિશને સારું કરી રહ્યા છે, ત્યારે તમારે તેમની પાસેથી શીખવું જોઈએ. અમારે નેટમાં પ્રેક્ટિસ કરીને ટીમમાં ગમે એ ક્રમ માટે બેટિંગ કરવા તૈયાર રહેવું જોઈએ, તમારે તમારા સમયની રાહ જોવી જોઈએ અને તક મળે ત્યારે એ ઉઠાવવી જોઈએ, એમ તેણે કહ્યું હતું. વળી, તમારે મોટો સ્કોર જોઈને હરખાવું ના જોઈએ કે જેથી તમારો દેખાવ પર એની પ્રતિકૂળ અસર પડે. રોહિતભાઈએ મારામાં વિશ્વાસ મૂક્યો અને કોચે પણ મારામાં વિશ્વાસ મૂક્યો, જેથી હું સારો દેખાવ કરી શક્યો, એમ તેણે કહ્યું હતું.
