‘બાબર આઝમની સરખામણી કોહલી સાથે કરવી નહીં’

લાહોરઃ ઈંગ્લેન્ડની ટીમ સામે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં 0-3થી વ્હાઈટવોશ ભૂંડો પરાજય થયો છે. ત્રીજી ટેસ્ટ મેચમાં આજે પાંચમા અને આખરી દિવસે ઈંગ્લેન્ડે જીત માટે જરૂરી ટાર્ગેટને આસાનીથી (170-2) આઠ-વિકેટે ચેઝ કરી લીધો હતો. ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુક સામે પાકિસ્તાનની બોલિંગ વામણી પુરવાર થઈ. બ્રુકને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરવામાં આવ્યો છે. બ્રુકે 3 મેચમાં 93.6ની સરેરાશ સાથે 468 રન ફટકાર્યા હતા. એમાં ત્રણ સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. પાકિસ્તાન ટીમ ઘરઆંગણે આટલી ભૂંડી રીતે પહેલી જ વાર હાર્યું છે.

આ પરાજયને પગલે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની ટીકા થઈ રહી છે. દેશના જ ભૂતપૂર્વ લેગસ્પિનર દાનિશ કનેરિયાએ આઝમની આકરી ટીકા કરી છે. એણે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું છે કે, ‘હાલની શ્રેણીમાં આઝમની બેટિંગ અને કેપ્ટન્સી, બંને કંગાળ રહ્યા હતા. હાલની પાકિસ્તાન બેટિંગ લાઈન-અપમાં એક પણ ખેલાડીની સરખામણી વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ભારતીય ધુરંધરો સાથે કરી શકાય એમ નથી. લોકોએ હવે બાબર આઝમની સરખામણી વિરાટ કોહલી સાથે કરવાનું બંધ કરી દેવું જોઈએ. બાબર આઝમ કેપ્ટન તરીકે બિગ ઝીરો છે. એ ટીમનું નેતૃત્વ કરવાને, ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પાત્ર અને સક્ષમ રહ્યો નથી.’