63 મૂન્સ ‘એશિયાની સૌથી વધુ વિશ્વસનીય કંપની’

મુંબઈ, તા. 20 ડિસેમ્બર, 2022: ફિનટેક ક્ષેત્રની વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત કંપની અને અત્યાધુનિક ડિજિટલ માર્કેટપ્લેસની રચયિતા 63 મૂન્સ ટેક્નોલોજીસની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. અમેરિકાના ઇન્ટરનેશનલ બ્રાન્ડ કન્સલ્ટિંગ કોર્પોરેશને “એશિયાની સૌથી વધુ વિશ્વસનીય કંપની” તરીકે 63 મૂન્સનું સમ્માન કર્યું છે. એશિયામાં ટેક્નોલોજી સોલ્યુશન પ્રોવાઇડર ક્ષેત્રની શ્રેષ્ઠ કંપની તરીકેનો આ એવોર્ડ સોમવારે બેંગકોકમાં પ્રદાન કરવામાં આવ્યો હતો.

એશિયામાં સર્વોત્તમ ટેક્નોલોજી સોલ્યુશન પ્રોવાઇડર તરીકે 63 મૂન્સ ટેક્નોલોજીસને એશિયાની સૌથી વધુ વિશ્વસનીય કંપનીનો એવોર્ડ મળ્યો એનો કંપની વતી બેંગકોકના પોલીસ કમિશનર અને રોયલ થાઇ આર્મીના લેફ. જન. સુવાત જંગયોદ્સુક (ડાબેથી બીજા) અને અમેરિકાના આઇબીસી કોર્પના સીઈઓ હેમંત કૌશિક (ડાબેથી પ્રથમ)ના હસ્તે સ્વીકાર કરી રહેલા 63 મૂન્સના મેનેજિંગ ડિરેક્ટર એસ. રાજેન્દ્રન (ડાબેથી ત્રીજા)

63 મૂન્સ ટેક્નોલોજીસના એમડી-સીઈઓ એસ. રાજેન્દ્રનને બેંગકોકની હોટેલ ગ્રાન્ડ હયાત ઈરાવાનમાં યોજાયેલા ભવ્ય સમારંભમાં બેંગકોકના પોલીસ કમિશનર રોયલ થાઈ આર્મીના લેફ. જન. સુવાત જંગયોદ્સુક અને અમેરિકાના આઇબીસી કોર્પના સીઈઓ હેમંત કૌશિકના હસ્તે એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.

રાજેન્દ્રને 63 મૂન્સ ટેક્નોલોજીસના ચેરમેન વેંકટ ચારી તથા કંપનીના પથદર્શક અને મેન્ટર જિજ્ઞેશ શાહે આપેલા સહકાર અને માર્ગદર્શન બદલ એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

એમણે કહ્યું છે કે કંપનીને આંતરરાષ્ટ્રીય મંચ પર વૈશ્વિક બહુમાન મળ્યું એનો અમને હર્ષ છે. જ્યુરીએ ટોચની 50 બ્રાન્ડ્સમાંથી વિજેતા તરીકે 63 મૂન્સની પસંદગી કરી હતી. સંસ્થાના ઘડતરની પ્રક્રિયામાં આ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે.

અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે 63 મૂન્સ ટેક્નોલોજીસને એક્સચેન્જ બિઝનેસમાંથી બહાર કરી નાખવાના ઈરાદે તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્બરમ અને એ વખતના નાણાં ખાતાના જોઇન્ટ સેક્રેટરી (કેપિટલ માર્કેટ્સ) કે. પી. કૃષ્ણને ષડ્યંત્ર રચ્યું હતું અને એને તત્કાલીન એફએમસી ચેરમેન રમેશ અભિષેકે અમલમાં મૂક્યું હતું. તત્કાલીન ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના કહેવાથી 63 મૂન્સ ટેક્નોલોજીસને ભારતના કોઈ પણ કોમોડિટી એક્સચેન્જમાં શેર નહીં રાખવા દેવાનો આદેશ અપાયો હતો અને કંપનીને નોટ ફિટ એન્ડ પ્રોપર જાહેર કરવામાં આવી હતી.

આ એ જ કંપની છે જેને આજે એશિયાની સૌથી વધુ વિશ્વસનીય કંપની તરીકેનું બહુમાન મળ્યું છે. આ એવોર્ડ પી. ચિદમ્બરમ, કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેકને મળેલો સજ્જડ જવાબ છે, એમ 63 મૂન્સની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.