સ્મિથ હિરોઃ ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવી ઓસ્ટ્રેલિયાએ એશિઝ જાળવી રાખી

માન્ચેસ્ટર – અહીં ઓલ્ડ ટ્રેફ્ફર્ડ ખાતે ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને ગઈ કાલે 185 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝ ટ્રોફી પોતાની પાસે જાળવી રાખી છે. ઈંગ્લેન્ડની ટીમને જીત માટે 383 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ગઈ કાલે મેચના પાંચમા અને આખરી દિવસે છેલ્લા સત્રમાં તે બીજા દાવમાં 197 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

વર્તમાન સિરીઝમાં આ સાથે ઓસ્ટ્રેલિયા ટીમ 2-1થી આગળ થઈ છે. પાંચમી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચ 12 સપ્ટેંબરથી લંડનમાં રમાશે.

ગઈ કાલે પાંચમા દિવસની રમતમાં ટીમ પેનની આગેવાની હેઠળના ઓસ્ટ્રેલિયાના બોલરોએ જોરદાર દેખાવ કર્યો હતો અને જો રૂટની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમને 200ના આંકે પહોંચવા દીધી નહોતી.

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર – પેટ કમિન્સે 4 વિકેટ લીધી હતી જ્યારે અન્ય ફાસ્ટ બોલર હેઝલવુડ અને સ્પિનર નેશન લાયને 2-2 વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્ક અને માર્નસ લેબુશેને એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.

ઈંગ્લેન્ડના બીજા દાવમાં સૌથી વધુ રન કર્યા ઓપનર જો ડેન્લીએ – 53 રન. અન્ય ઓપનર રોરી બર્ન્સ અને વન-ડાઉન બેટ્સમેન તથા કેપ્ટન જો રૂટ ઝીરો પર આઉટ થયા હતા. રૂટ તો પહેલા જ બોલે આઉટ થયો હતો. આ બંનેની વિકેટ કમિન્સે ઝડપી હતી. રૂટને કમિન્સે ક્લીન બોલ્ડ કર્યો હતો. જેસન રોયે 31, બેન સ્ટોક્સે 1, વિકેટકીપર જોની બેરસ્ટોએ 25, જોસ બટલરે 34, ક્રેગ ઓવર્ટને 21, જોફ્રા આર્ચરે 1, જેક લીચે 12 રન કર્યા હતા.

માન્ચેસ્ટર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની જીતનો હિરો રહ્યો બેટ્સમેન સ્ટીવ બેટ્સમેન, જેણે પહેલા દાવમાં 211 રન કર્યા હતા અને બીજા દાવમાં 82 રન. એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ 2001ની સાલ બાદ પહેલી વાર ઈંગ્લેન્ડમાં રમીને એશિઝ સિરીઝ પોતાના નામે કરી છે. 2001માં પણ ઓસ્ટ્રેલિયાએ ઓલ્ડ ટ્રેફ્ફર્ડ મેદાન પર જીત મેળવી હતી.