‘આર્થિક મંદી કામચલાઉ છે, વિકાસ ટૂંક સમયમાં જ ઝડપ પકડશે’

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારે શાસનની તેની બીજી મુદતમાં પહેલા 100 પૂરા કર્યા તે નિમિત્તે સરકારે પોતાની સિદ્ધિઓની છણાવટ કરી છે. ગઈ કાલે પત્રકાર પરિષદમાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે દેશના અર્થતંત્રના ફંડામેન્ટલ્સ સારા જ છે અને જીડીપી વિકાસ દરમાં જે ઘટાડો થયો છે તે કામચલાઉ છે અને વિકાસ દર ટૂંક સમયમાં જ ફરી ગતિ પ્રાપ્ત કરશે.

જાવડેકરે કહ્યું હતું કે આ તો નાનકડું ડાઈવર્ઝન છે. આ હંગામી બાબત છે. આર્થિક વિકાસ બહુ જ ટૂંક સમયમાં ફરી ગતિ પ્રાપ્ત કરશે.

નીચા આર્થિક વિકાસ દર સાથે ભારતીય અર્થતંત્ર 5 ટ્રિલિયન યુએસ ડોલરની ઈકોનોમી બનવાના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યને કેવી રીતે હાંસલ કરશે એવા સવાલના જવાબમાં જાવડેકરે ઉપર મુજબ જણાવ્યું હતું.

એમણે કહ્યું કે આપણા ફંડામેન્ટલ્સ સારા છે અને આપણે આપણી પૂર્વયોજના અનુસાર આગળ વધીશું અને 5 ટ્રિલિયન યુએસ ડોલરના અર્થતંત્ર બનવાના આપણા ટાર્ગેટને હાંસલ કરીશું.