બીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની કંગાળ બેટિંગ: કાંગારુંઓનો આસાન વિજય

વિશાખાપટનમઃ અહીં ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડે ઈન્ટરેશનલ મેચમાં આજે ભારતીય ટીમે બેટિંગમાં કંગાળ દેખાવ કર્યો છે. ટીમ માત્ર 26 ઓવર જ રમી શકી અને માત્ર 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. 8મા ક્રમના બેટર અક્ષર પટેલે બે સિક્સર અને એક બાઉન્ડરી સાથે 29 બોલમાં અણનમ 29 રન ફટકાર્યા ન હોત તો ટીમનું 100 રનની અંદર જ ફીંડલું વળી જાત.

ભારતનો બેટિંગ ધબડકો ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે કર્યો, જેણે 8 ઓવરમાં 53 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. પહેલી ચાર વિકેટ સ્ટાર્કે લીધી હતી. એના શિકાર હતા – શુભમન ગિલ (0), રોહિત શર્મા (13), સૂર્યકુમાર યાદવ (0), કે.એલ. રાહુલ (9) અને મોહમ્મદ સિરાજ (0). અન્ય ફાસ્ટ બોલરોમાં – શોન એબટે 23 રનમાં 3 અને નેશન એલિસે 13 રનમાં બે વિકેટ લીધી હતી. સૂર્યકુમાર યાદવ સતત બીજી મેચમાં પહેલા જ બોલમાં આઉટ થયો હતો.

ઓસ્ટ્રેલિયાએ 10-વિકેટથી મેચ જીતી લીધી

ઓસ્ટ્રેલિયાને 118 રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં જરાય તકલીફ પડી નહોતી અને તેણે 10-વિકેટના માર્જિનથી મેચ જીતી લીધી હતી. ટ્રેવિસ હેડ 51 (30 બોલમાં 10 ચોગ્ગા) અને મિચેલ માર્શ 66 રન (36 બોલ, 6 ચોગ્ગા, 6 છગ્ગા) ફટકારીને નોટઆઉટ રહ્યો હતો. બંનેએ ભારતના તમામ બોલરોને ઝૂડી કાઢીને માત્ર 11 ઓવરમાં જ 121 રન કરી નાખ્યા હતા. આ પરિણામ સાથે બંને ટીમ 1-1થી બરોબરી પર આવી ગઈ છે તેથી ત્રીજી મેચ નિર્ણાયક બની રહેશે. મિચેલ સ્ટાર્કને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

3-મેચની શ્રેણીની પહેલી મુંબઈમાંની મેચ ભારતે પાંચ-વિકેટથી જીતી હતી. ત્રીજી અને શ્રેણીની આખરી મેચ 22મીએ ચેન્નાઈમાં રમાશે.