દુબઈઃ આરોન ફિન્ચની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે આજે અહીં રમાઈ ગયેલી બીજી સેમી ફાઈનલ મેચમાં પાકિસ્તાનને પાંચ-વિકેટથી હરાવીને T20 વર્લ્ડ કપ-2021ની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે જ્યાં 14 નવેમ્બરે એનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે, જેણે ગઈ કાલે પહેલી સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડને પરાજય આપ્યો હતો. આજની મેચમાં પાકિસ્તાને તેના હિસ્સાની 20 ઓવરમાં 4 વિકેટે 176 રન કર્યા હતા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 19 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 177 રન કરીને મેચ જીતી લીધી હતી.
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો – ઓપનર ડેવિડ વોર્નર, માર્કસ સ્ટોઈનીસ અને વિકેટકીપર મેથ્યૂ વેડે જોરદાર ફટકાબાજી કરીને એમની ટીમને એક સમયે અંસભવ લાગતો વિજય અપાવ્યો હતો. વોર્નરે 30 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 49 રન કર્યા હતા. સ્ટોઈનીસ (31 બોલમાં 2 ચોગ્ગા, 2 છગ્ગા સાથે 40 નોટઆઉટ) અને વેડ (17 બોલમાં 2 ચોગ્ગા, 4 છગ્ગા સાથે 41 નોટઆઉટ) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 81 રનની અતૂટ ભાગીદારીએ પાકિસ્તાનનો ખેલ ખતમ કરી નાખ્યો હતો. વેડે પાકિસ્તાનના સૌથી ખતરનાર ફાસ્ટ બોલર શાહીન અફરિદીની આખરી ઓવરમાં 3 બોલમાં 3 સિક્સ મારીને સનસનાટી મચાવી દીધી હતી.
અગાઉ, પાકિસ્તાનના દાવમાં વિકેટકીપર મોહમ્મદ રિઝવાને 67 અને ફખર ઝમાને અણનમ 55 રનનો દાવ ખેલીને પાકિસ્તાન માટે 176 રનનો ચેલેન્જિંગ સ્કોર ખડો કરાવ્યો હતો.