સાઉધમ્પ્ટનઃ અહીંના એજીસ બાઉલ મેદાન પર ગઈ કાલે રમાઈ ગયેલી ત્રીજી અને સિરીઝની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને ઓસ્ટ્રેલિયાએ આઈસીસી T20I ટીમ રેન્કિંગ્સમાં ફરી ટોચનું સ્થાન હાંસલ કરી લીધું છે. જોકે ત્રણ-મેચની સિરીઝ ઓસ્ટ્રેલિયા 1-2થી હારી ગયું છે.
આરોન ફિન્ચની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે આ સિરીઝનો આરંભ કર્યો હતો ત્યારે એના 278 પોઈન્ટ્સ હતા. ઈંંગ્લેન્ડ તેનાથી 10-પોઈન્ટ પાછળ હતું, પણ પહેલી બે T20I મેચ જીતીને ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા કરતાં આગળ નીકળી ગયું હતું. એ તબક્કે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા, બંનેના 273 પોઈન્ટ હતા, પણ ડેસિમલ પોઈન્ટ્સના આધારે ઈંગ્લેન્ડ સહેજ આગળ હતું. આખરે ત્રીજી મેચ જીતીને ઓસ્ટ્રેલિયા ફાયદો મેળવી લીધો.
ઓસ્ટ્રેલિયાએ મોઈન અલીના નેતૃત્ત્વવાળી ઈંગ્લેન્ડ ટીમનો સ્કોર 20 ઓવરમાં 6 વિકેટે 145 રન સુધી સીમિત રાખ્યો હતો. બાદમાં ઓસ્ટ્રેલિયાએ 3 બોલ ફેંકાવાના બાકી હતા ત્યારે ટાર્ગેટ હાંસલ કરીને મેચ જીતી લીધી હતી.
એ સાથે જ ઓસ્ટ્રેલિયાના હવે 275 પોઈન્ટ થયા છે જ્યારે ઈંગ્લેન્ડના 271 છે.
ભારત આવતા વર્ષે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની વર્લ્ડ કપ યોજવાનું છે. ભારત 266 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે અને પાકિસ્તાન 261 સાથે ચોથા ક્રમે છે.
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા હવે આવતા શુક્રવારથી 3-મેચોની વન-ડે સિરીઝ રમવાનું શરૂ કરશે. પહેલી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાશે.