ટેસ્ટ ટીમના કેપ્ટનપદ વિશે અશ્વિને શું કહ્યું?

મુંબઈઃ હાલમાં જ લંડનના ઓવલ મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમના કંગાળ દેખાવને કારણે કેપ્ટન રોહિત શર્માની ખૂબ ટીકા થઈ છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ 1-2થી ગુમાવ્યા બાદ ટેસ્ટ ટીમનું સુકાનીપદ છોડી દીધું હતું. ત્યારબાદ એની જગ્યાએ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં, ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે કે.એસ. રાહુલ, જસપ્રિત બુમરાહ અને રિષભ પંતના નામો પણ ચર્ચામાં હતા. તે ઉપરાંત ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પણ કેપ્ટન બનાવવાનું વિચારણા હેઠળ હતું. હવે એ મુદ્દે અશ્વિને પોતાના વિચારો જણાવ્યા છે.

ઈન્ડિયન એક્સપ્રેસને આપેલી મુલાકાતમાં 36 વર્ષીય અશ્વિને પહેલી જ વાર ટેસ્ટ ટીમના સુકાનીપદ વિશે દિલ ખોલીને જણાવ્યું છે. તેણે કહ્યું કે, અનેક જણે હું ઓવરથિંકર છું એવી વાતો ફેલાવી હતી. જે ખેલાડીને સતત 15-20 ટેસ્ટ મેચ રમવા મળે એને ઓવરથિંકર બનવાની જરૂર જ ન હોય. મારી છાપ ઓવરથિંકર તરીકે ઊભી કરવામાં આવી એને કારણે જ મને ટીમનું સુકાનીપદ મળી શક્યું નથી. સતત આટલી બધી ટેસ્ટ મેચો રમનાર ખેલાડી પોતાની જવાબદારી સમજતો હોય, એ સુકાની તરીકેની ભૂમિકા પણ ભજવવા સક્ષમ હોય. ઓવરથિંકરનું ટેગ માત્ર મારા માટે જ બનાવવામાં આવ્યું છે, મારી વિરુદ્ધ વાપરવા માટે જ બનાવવામાં આવ્યું છે. જ્યારે ટીમના નેતૃત્ત્વનો મુદ્દો મારી સમક્ષ આવ્યો હતો ત્યારે કેટલાક લોકોએ મારી વિરુદ્ધમાં ઓવરથિંકરની વાતો ચગાવી.

અશ્વિન છેલ્લા એક દાયકામાં ભારતનો શ્રેષ્ઠ ટેસ્ટ સ્પિનર રહ્યો છે. આધુનિક સમયની ક્રિકેટમાં મેચોમાં, સૌથી વધારે વિકેટ લેનાર સ્પિનરોમાં અશ્વિનની ગણના થાય છે.