મહિલા ક્રિકેટર જૂલન ગોસ્વામીની બાયોપિકમાં અનુષ્કા મુખ્ય ભૂમિકા કરશે?

મુંબઈ – અનુષ્કા શર્મા છેલ્લે ‘ઝીરો’ ફિલ્મમાં જોવા મળી હતી. એ ફિલ્મ બોક્સ ઓફિસ પર સદંતર પીટાઈ ગઈ હતી. 2019નું આખું વર્ષ અનુષ્કા ફિલ્મોથી દૂર રહી હતી. એનાં પ્રશંસકો અનુષ્કા સ્ક્રીન પર પાછી ફરે એ જોવા માટે ખૂબ આતુર છે.

આખરે અનુષ્કા રૂપેરી પડદા પર પાછી ફરવા સજ્જ થઈ ગઈ છે. એની નવી ફિલ્મ ભારતની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટ કેપ્ટન અને પશ્ચિમ બંગાળનિવાસી ફાસ્ટ બોલર જુલન ગોસ્વામીનાં જીવન પર આધારિત બાયોપિક હશે.

એક અહેવાલ મુજબ, અનુષ્કા આવતી 25 જાન્યુઆરીથી કોલકાતામાં જૂલન ગોસ્વામી બાયોપિક ફિલ્મનું શૂટિંગ શરૂ કરે એવી ધારણા છે.

અનુષ્કા ગઈ કાલે રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે જૂલન ગોસ્વામી સાથે જોવા મળી હતી. અનુષ્કા ક્રિકેટરનાં ડ્રેસમાં સજ્જ થઈ હતી. કહેવાય છે કે એ જુલનની બોલિંગ સ્ટાઈલ તથા એની બીજી સ્ટાઈલને અપનાવવાની કોશિશ કરી રહી છે.

જુલન ગોસ્વામી જમણેરી મધ્યમ ઝડપી બોલર ઓલરાઉન્ડર તરીકે રમી છે. 2002માં એણે કારકિર્દીનો આરંભ કર્યો હતો અને હજી પણ રમી રહી છે.

અત્યાર સુધીમાં એ 10 ટેસ્ટ મેચ, 177 વન-ડે ઈન્ટરનેશનલ અને 68 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમી ચૂકી છે. ટેસ્ટમેચોમાં એણે 283 રન કર્યા અને 40 વિકેટ લીધી છે. વન-ડે ક્રિકેટમાં 1061 રન કર્યા છે અને 218 વિકેટ લીધી છે જ્યારે ટ્વેન્ટી-20 ક્રિકેટમાં 405 રન કર્યા છે અને 56 વિકેટ લીધી છે. એ 2008થી 2011ની સાલ સુધી ભારતની કેપ્ટન રહી હતી.

જુલન ગોસ્વામીને 2007માં આઈસીસી મહિલા પ્લેયર ઓફ ધ યર ઘોષિત કરવામાં આવી હતી. એ ભારતની સૌથી સફળ મહિલા ક્રિકેટરોમાંની એક છે.

2010માં એને ‘અર્જૂન એવોર્ડ’ આપવામાં આવ્યો હતો અને 2012માં ‘પદ્મશ્રી’ ખિતાબથી એને નવાજવામાં આવી હતી.

જાણીતી વ્યક્તિઓની બાયોપિક ફિલ્મ બનાવવાનો બોલીવૂડમાં છેલ્લા કેટલાક વખતથી ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ભૂતપૂર્વ મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજનાં જીવન પર આધારિત હિન્દી ફિલ્મ બનાવવાનું પણ નિર્માણ હેઠળ છે. એમાં તેની ભૂમિકા તાપસી પન્નૂ કરવાની છે.

દિગ્દર્શક કબીર ખાને 1983માં ભારતે મેળવેલા ઐતિહાસિક ક્રિકેટ વર્લ્ડ કપ વિજય પર આધારિત હિન્દી ફિલ્મ ’83’ બનાવી છે જેમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવની ભૂમિકા રણવીર સિંહે કરી છે.