ટીમ ઈન્ડિયાનાં સુપરફેન દાદી ચારુલતાબેન પટેલનું નિધન

નવી દિલ્હી – ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનાં સુપરફેન તરીકે જાણીતા થયેલાં ચારુલતાબેન પટેલનું નિધન થયું છે. એ 87 વર્ષનાં હતાં. ગયા વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આઈસીસી ODI વર્લ્ડ કપ રમાઈ હતી ત્યારે વ્હીલચેરગ્રસ્ત ચારુલતાબેન ભારતની મેચો જોવા સ્ટેડિયમમાં જોવા મળ્યાં હતાં.

ભારતીય મૂળનાં અને બ્રિટનમાં સ્થાયી થયેલા ચારુલતાબેન એ વખતે તેઓ ટીમના કેપ્ટન વિરાટ કોહલી તથા અન્ય ખેલાડીઓને પણ મળ્યાં હતાં. કોહલી તથા રોહિત શર્મા સાથે ચારુલતાબેનની તસવીરો અને વિડિયો ઈન્ટરનેટ પર છવાઈ ગયાં હતાં.

ચારુલતાબેન પટેલનું 13 જાન્યુઆરીએ અવસાન થયું હતું, એવી જાણકારી એમનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપવામાં આવી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘મારા દાદીનું 13 જાન્યુઆરીએ સાંજે 5.30 વાગ્યે નિધન થયું. એ અમારાં સૌનાં પ્રિય હતાં.’

આ સમાચાર જાણ્યા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આજે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે. બોર્ડે કેપ્શનમાં લખ્યું છે: ‘ટીમ ઈન્ડિયાનાં સુપરફેન ચારુલતા પટેલજી કાયમ અમારાં દિલમાં રહેશે અને ક્રિકેટની રમત પ્રત્યેનો એમનો પ્રેમ અમને પ્રોત્સાહન આપતાં રહેશે. ઈશ્વર એમનાં આત્માને શાંતિ આપે.’

ઉલ્લેખનીય છે કે, ચારુલતાબેન ગયા વર્ષના જુલાઈમાં બર્મિંઘમના એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની રાઉન્ડ-રોબિન મેચ જોવા ગયાં હતાં. ભારતીય ટીમની દરેક બાઉન્ડરી વખતે તાળીઓ પાડીને અને નાનાં બાળકો વગાડે એવું વાજું (વૂવૂજેલા) વગાડીને ટીમને બિરદાવતાં રહીને ચારુલતાબેને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. એ આખી મેચ વખતે તેઓ તિરંગો ફરકાવતાં અને ટીમ ઈન્ડિયાને ભારે ઉત્સાહપૂર્વક ચીયર કરતાં જોવા મળ્યાં હતાં.

બાંગ્લાદેશ સામેની એ મેચ ભારત 28-રનથી જીત્યું હતું અને ભારત નોકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યું હતું. એ વખતે કોહલી અને વાઈસ-કેપ્ટન રોહિત શર્મા ચારુલતાબેનને મળવા ગયા હતા અને એમનાં આશીર્વાદ મેળવ્યા હતા.

ચારુલતાબેન ભારતીય ક્રિકેટ ટીમના દેખાવ પર સતત નજર રાખતાં હતાં. ભારતીય ટીમ 14 જુલાઈની ફાઈનલમાં પહોંચશે અને તેને રમતી જોવા માટે પોતે લોર્ડ્સમાં જવા આતુર છે, એવું પણ તેમણે કહ્યું હતું. પરંતુ એમની ઈચ્છા અધૂરી રહી ગઈ, કારણ કે ભારત સેમી-ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું હતું.

તે મેચ બાદ કોહલીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘અમારા માટે પ્રેમ અને લાગણી દર્શાવવા બદલ અમે અમારા તમામ પ્રશંસકોનો, ખાસ કરીને ચારુલતા પટેલજીનો આભાર માનીએ છીએ. ચારુલતા પટેલ 87 વર્ષનાં છે અને આટલા બધા સમર્પિત ચાહક મેં મારી જિંદગીમાં આ પહેલી જ વાર જોયા છે. ઉંમર તો માત્ર એક આંકડો છે, પણ લાગણી તમને આગળ વધારે છે.’

ચારુલતાબેન પટેલને બીસીસીઆઈ ઉપરાંત આઈસીસી સંસ્થાએ પણ ટ્વીટ કરીને શબ્દાંજલિ અર્પણ કરી છે.

ભારતીયોમાં ‘ક્રિકેટ દાદી’ તરીકે પ્રખ્યાત થયેલાં ચારુલતાબેને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એમનો જન્મ 1932માં ગુજરાતમાં નહીં, પણ ટાન્ઝાનિયામાં ગુજરાતી પરિવારમાં થયો હતો. બાદમાં એમનો પરિવાર ત્યાંથી બ્રિટનમાં જઈને વસ્યો હતો. એમનાં સંતાનો ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમતાં હતાં. બાળકોને ક્રિકેટ રમતાં જોઈને એમને પણ આ રમત ગમવા લાગી હતી.