કોન્ટ્રાક્ટ્સની નવી યાદીમાંથી ધોની OUT; નિવૃત્તિની અફવાએ પકડ્યું જોર

મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પુરુષ ક્રિકેટરો માટે વર્ષ 2019-20 માટે કોન્ટ્રાક્ટની નવી વાર્ષિક યાદીની આજે જાહેરાત કરી છે, પણ એમાંથી ભૂતપૂર્વ સુકાની અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીનું નામ ગાયબ છે.

આ કોન્ટ્રાક્ટની મુદત 2019ના ઓક્ટોબરથી 2020ના સપ્ટેંબર સુધીના છે.

આ યાદીમાંથી દંતકથાસમાન ક્રિકેટર ધોનીનું નામ ગાયબ હોવાથી એનું ક્રિકેટ ભાવિ હવે સમાપ્ત થયું છે એવી એના પ્રશંસકોમાં અફવા ફેલાઈ છે.

ગયા વર્ષે ઈંગ્લેન્ડ-વેલ્સમાં રમાઈ ગયેલી વર્લ્ડ કપ સ્પર્ધાની સેમી ફાઈનલ મેચમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયા બાદ ધોની એક પણ ઈન્ટરનેશનલ મેચ રમ્યો નથી.

ગયા વર્ષના કોન્ટ્રાક્ટ્સમાં ધોનીનું નામ ગ્રેડ-‘A’માં હતું, એટલે કે રૂ. પાંચ કરોડનું વેતન.

આ વખતે કુલ ગ્રેડ નક્કી કરાયા છે – A+, A, B, C. પરંતુ આમાંથી એકેય ગ્રેડમાં ધોનીનું નામ નથી.

કેપ્ટન વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રોહિત શર્માને ‘A+’ ગ્રેડમાં રાખવામાં આવ્યા છે, મતલબ કે એમને દરેકને રૂ. 7 કરોડનું વાર્ષિક વેતન આપવામાં આવશે. ‘A+’ કેટેગરીમાં ગયા વર્ષે પાંચ ખેલાડીઓ હતા. આ વખતે એમાંથી શિખર ધવન અને ભૂવનેશ્વર કુમારનું નામ પડતું મૂકી દેવામાં આવ્યું છે.

‘A’ કેટેગરીમાં રહેલા ખેલાડીઓને રૂ. પાંચ-પાંચ કરોડ, ‘B’ કેટેગરીમાં રહેલાઓને રૂ. 3-3 કરોડ અને ‘C’ કેટેગરીમાં રહેલા ખેલાડીઓને દરેકને રૂ. 1-1 કરોડ આપવામાં આવશે.

આનો મતલબ એ કે ધોનીનો કોન્ટ્રાક્ટ રીન્યૂ કરાયો નથી. જોકે આનાથી કોઈ મોટું આશ્ચર્ય થવું ન જોઈએ, કારણ કે એ 9 જુલાઈ, 2019 પછી એકેય ઈન્ટરનેશનલ મેચ રમ્યો નથી.

ધોની પોતે પણ પોતાનાં ભાવિ વિશેની યોજના જણાવવાનો ઈનકાર કરતો આવ્યો છે.

ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે ધોની પોતાની વન-ડે ઈન્ટરનેશનલ કારકિર્દીનો ટૂંક સમયમાં અંત લાવી દે એવી શક્યતા છે, પરંતુ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં એ ચાલુ રહી શકે છે, પરંતુ શરત એ કે એ આ વખતની આઈપીએલ સ્પર્ધામાં સારો દેખાવ કરે.

‘A’ કેટેગરીમાં 10 ખેલાડીઓ છેઃ રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ભૂવનેશ્વર કુમાર, શિખર ધવન, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, કે.એલ. રાહુલ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને રિષભ પંત.

પીઠના દુખાવાને કારણે ગયા વર્ષે ઘણી બધી ક્રિકેટ મેચો ગુમાવી દેનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ‘B’ કેટેગરીમાં ઉતારી દેવામાં આવ્યો છે. આ કેટેગરીમાં હાર્દિક પંડ્યાની સાથે રિદ્ધિમાન સહા, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ અને મયંક અગ્રવાલ છે.

રૂ. 1 કરોડના મહેનતાણાવાળી ‘C’ કેટેગરીમાં આ ખેલાડીઓ છેઃ કેદાર જાધવ, નવદીપ સૈની, દીપક ચાહર, મનીષ પાંડે, હનુમા વિહારી, શાર્દુલ ઠાકુર, શ્રેયસ ઐયર અને વોશિંગ્ટન સુંદર.