મેલબોર્ન ટેસ્ટમાં ભારત ‘ડ્રાઈવર્સ સીટ’માં; પૂજારા, કોહલી, રોહિતની બેટિંગથી સ્થિતિ મજબૂત

મેલબોર્ન – ચાર ટેસ્ટ મેચોની સીરિઝની અહીં રમાતી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત મજબૂત સ્થિતિમાં આવ્યું છે. આજે બીજા દિવસની રમતને અંતે ઓસ્ટ્રેલિયાએ એના પહેલા દાવમાં એકેય વિકેટ ગુમાવ્યા વગર 8 રન કર્યા હતા, આરોન ફિન્ચ અને માર્કસ હેરિસ દાવમાં હતા. એ પહેલાં, ભારતે પોતાનો પહેલો દાવ 7 વિકેટે 443 રને ડિકલેર કર્યો હતો.

હવે આવતીકાલે ત્રીજા દિવસની રમત રોમાંચક બની રહેવાની પૂરી શક્યતા છે, કારણ કે ભારતના બોલરો ઓસીઝ બેટ્સમેનોને સસ્તામાં ઓલઆઉટ કરી ભારતને મોટી સરસાઈ મળે એ માટે પૂરી તાકાત લગાવીને બોલિંગ કરશે. તો સામે છેડે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો એમની ટીમને સુરક્ષિત બનાવવા માટે મહેનત કરશે.

ભારતને ડ્રાઈવર્સ સીટમાં મૂકવા માટેનો મુખ્ય શ્રેય જાય છે ચેતેશ્વર પૂજારાની 17મી સદી (106), તેમજ કેપ્ટન વિરાટ કોહલી (82), નવોદિત ઓપનર મયંક અગ્રવાલ (76) અને રોહિત શર્મા (63 નોટઆઉટ)ની અડધી સદીઓને.

ઓસ્ટ્રેલિયાની મુસીબતોમાં વધારો કર્યો હતો વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે અને વિકેટકીપર રિષભ પંતે, જેમણે અનુક્રમે 34 અને 39 રન કર્યા હતા.

ભારતે 2 વિકેટે 215 રનના તેના ગઈ કાલના દાવને આજે સવારે આગળ ધપાવ્યો હતો. પૂજારા અને કોહલીએ પહેલા બે કલાકના સત્રમાં વિકેટ બચાવી હતી, પણ લંચ બાદના સત્રમાં બંને જણ આઉટ થઈ ગયા હતા.

રોહિત શર્માને બે જીવતદાન મળ્યા હતા. પહેલું પીટર સીડલે અને બીજું ટ્રેવિસ હેડે આપ્યું હતું. બંને કેચ પડતા મૂકાયા ત્યારે શર્મા મામુલી સ્કોર પર હતો. એણે અને રહાણેએ પાંચમી વિકેટ માટે 62 રન ઉમેર્યા હતા. શર્માએ ત્યારબાદ પંત સાથે છઠ્ઠી વિકેટ માટે 76 રન ઉમેર્યા હતા.

રવિન્દ્ર જાડેજા 4 રન કરીને આઉટ થયો એ સાથે જ કોહલીએ ભારતનો પહેલો દાવ ડિકલેર કરી દીધો હતો.

એ પહેલાં, કોહલી આઉટ થતાં પૂજારા સાથે ત્રીજી વિકેટ માટે એણે કરેલી 170 રનની ભવ્ય ભાગીદારીનો અંત આવ્યો હતો.

કોહલીએ એના 92 બોલના દાવમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. પૂજારાએ કુલ 319 બોલનો સામનો કર્યો હતો અને 10 ચોગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્માના 114 બોલમાં પાંચ ચોગ્ગાનો સમાવેશ થાય છે.