ત્રીજી ટેસ્ટઃ અગ્રવાલ, પૂજારાની હાફ સેન્ચુરીઓએ ભારતને સ્થિર સ્કોર અપાવ્યો; 215-2

મેલબોર્ન – ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર-ટેસ્ટ મેચોની સીરિઝની ત્રીજી અને ખૂબ મહત્ત્વની એવી ત્રીજી મેચનો આજથી અહીં પ્રારંભ થયો છે. કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને આજે દિવસના અંતે ભારતે પહેલા દાવમાં બે વિકેટના ભોગે 215 રન કર્યા હતા.

ભારતને આ સંગીન સ્થિતિમાં મૂકનાર છે બે બેટ્સમેનોની હાફ સેન્ચુરી. એક મયંક અગ્રવાલ (76) અને બીજો, ચેતેશ્વર પૂજારા, જે 68 રન સાથે દાવમાં છે. કેપ્ટન કોહલી 47 કરીને પૂજારા સાથે રમે છે. બંનેએ ત્રીજી વિકેટ માટે અત્યાર સુધીમાં 92 રન ઉમેરી દીધા છે.

મયંક અગ્રવાલે તેની કારકિર્દીની આ પહેલી જ ટેસ્ટના પહેલા દાવમાં હાફ સેન્ચુરી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામે પહેલી જ ટેસ્ટમાં સૌથી ઊંચો વ્યક્તિગત સ્કોરનો વિક્રમ હવે મયંક અગ્રવાલના નામે થયો છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1 ટેસ્ટ મેચ જીતી ચૂકી છે તેથી આ મેચ જીતીને સરસાઈ મેળવવાનો બંને પ્રયાસ કરશે. ચોથી અને છેલ્લી ટેસ્ટ બીજી જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.

ભારતે લોકેશ રાહુલ અને મુરલી વિજય, બંને ઓપરને આ મેચમાંથી પડતા મૂકી દીધા છે અને અગ્રવાલને ટેસ્ટ કેપ આપી છે. અગ્રવાલની સાથે હનુમા વિહારીએ દાવનો પ્રારંભ કર્યો હતો. બંનેએ સાવચેતીભરી રમત આદરી હતી, પણ વિહારી લાંબું ટક્યો નહોતો. માત્ર 8 રનના વ્યક્તિગત સ્કોર પર અને 40 રનના ટીમના સ્કોર પર તે આઉટ થયો હતો. ત્યારબાદ અગ્રવાલ 123 રનના સ્કોર પર આઉટ થયો હતો. બંને વિકેટ ફાસ્ટ બોલર પેટ કમિન્સે લીધી હતી.

વિહારીએ 66 બોલનો સામનો કર્યો હતો જ્યારે અગ્રવાલે  161 બોલના તેના દાવમાં 8 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા.

મયંક અગ્રવાલ આઈપીએલમાં કોહલીની આગેવાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ વતી પણ ઓપનિંગમાં રમી ચૂક્યો છે.

82 વર્ષે આ પહેલો જ પ્રસંગ આવ્યો છે જ્યારે ભારતે ટેસ્ટ મેચમાં આખી નવી ઓપનિંગ જોડી મેદાનમાં ઉતારી છે. આ પહેલાં, 1936માં, દત્તારામ હિંડલેકર અને વિજય મરચંટ ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સ ટેસ્ટમાં નવી ઓપનિંગ જોડીના રૂપમાં ઉતર્યા હતા.

પૂજારા અત્યાર સુધીમાં 200નો બોલ રમી ચૂક્યો છે જેમાં એણે 6 બાઉન્ડરી મારી છે. ટેસ્ટ કારકિર્દીમાં પૂજારાની આ 21મી હાફ સેન્ચુરી છે. સામે છેડે, કેપ્ટન કોહલી 107 બોલનો સામનો કરી ચૂક્યો છે અને તે પણ 6 ચોગ્ગા ફટકારી ચૂક્યો છે.

ભારત બીજા દિવસે શક્ય એટલું વધુ રમીને એટલો મોટો સ્કોર ખડો કરવાનો પ્રયાસ કરશે જેથી હરીફ બેટ્સમેનો દબાણમાં આવે અને ભારતના બોલરોને રાહત મળી રહે.

અગાઉ, મેચના આરંભ પૂર્વે, હૃદયરોગનો દર્દી 7 વર્ષનો બાળક આર્ચી શિલર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પેઈનની સાથે મેદાનમાં ઉતર્યો હતો અને પેઈનની સાથે ટોસ ઉછાળવાની વિધિમાં ભાગ લીધો હતો. શિલરનું હાર્ટનું ત્રીજું ઓપરેશન થવાનું છે, જે ગંભીર પ્રકારનું રહેશે. ઓપરેશન પૂર્વે આર્ચીએ કહ્યું હતું કે એની ઈચ્છા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન બનવાની છે. તેથી એની ઈચ્છા પૂરી કરવા માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે એને સહ-કેપ્ટન બનાવ્યો છે. એને ઓસ્ટ્રેલિયન કેપ્ટન જેવા જ ડ્રેસમાં સજ્જ કર્યો હતો.

 હૃદયરોગના દર્દી 7 વર્ષનો બાળક આર્ચી શિલર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પેઈન સાથે ટોસ ઉછાળવા જઈ રહ્યો છે


શિલરનું હાર્ટનું ત્રીજું ઓપરેશન થવાનું છે, જે ગંભીર પ્રકારનું રહેશે.


આર્ચીએ કહ્યું હતું કે એની ઈચ્છા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન બનવાની છે. તેથી એની ઈચ્છા પૂરી કરવા માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે એને સહ-કેપ્ટન બનાવ્યો છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]