કોલકાતામાં બીજી સેમી ફાઈનલઃ સાઉથ આફ્રિકાએ ટોસ જીતી બેટિંગ લીધી

કોલકાતાઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023માં અહીંના ઈડન ગાર્ડન્સ મેદાન પર આજે ઓસ્ટ્રેલિયા સામેની બીજી સેમી ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બવૂમાએ ટોસ જીત્યો છે અને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. મુકાબલો છે પાંચ વખત વર્લ્ડ કપ જીતી ચૂકેલા ઓસ્ટ્રેલિયા અને પહેલી વાર ટ્રોફી જીતવાની આશા રાખતા સાઉથ આફ્રિકા વચ્ચે. વર્તમાન વર્લ્ડ કપમાં પોઈન્ટ્સ ટેબલમાં સાઉથ આફ્રિકા બીજા નંબરે છે જ્યારે ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબરે. ગઈ કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ ગયેલી પહેલી સેમી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70-રનથી પરાજય આપ્યો હતો. ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

આજની સેમી ફાઈનલ પર વરસાદના વિઘ્નનું જોખમ રહેલું છે. ‘વેધર.કોમ’ના જણાવ્યા મુજબ, આજે કોલકાતામાં વરસાદ પડવાની 70 ટકા સંભાવના છે. બપોરે 1 વાગ્યે આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું હતું. આને કારણે કરોડો ક્રિકેટપ્રેમીઓમાં નિરાશા ફેલાઈ ગઈ છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 76 ટકા રહેવાની સંભાવના છે. આ મેચ માટે રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો છે, પરંતુ આવતીકાલે (શુક્રવારે) પણ વરસાદ પડવાની 60 ટકા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ધારો કે વરસાદને કારણે રિઝર્વ દિવસે પણ મેચનું પરિણામ નહીં આવે તો સાઉથ આફ્રિકા પોઈન્ટ્સ ટેબલમાં ઓસ્ટ્રેલિયાથી આગળ હોવાના આધારે ફાઈનલ માટે ક્વાલિફાઈ થશે.