દક્ષિણ કોરિયા: લશ્કરી કાયદો લાદનાર દેશના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે ગુરુવારે એક ટેલિવિઝન સંબોધન કર્યું હતું. જેમાં તેમણે પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો અને કહ્યું કે તેઓ પદ પરથી નહીં હટે. અંત સુધી મહાભિયોગ વિરુદ્ધ લડત ચાલુ રાખશે.યુને કહ્યું, “મારી તપાસ થાય કે મહાભિયોગ થાય, હું નિષ્પક્ષપણે તેનો સામનો કરીશ. હું અંત સુધી લડતો રહીશ. સંસદમાં સૈનિકો મોકલવા એ બળવો નથી. લોકશાહીના અંતને રોકવા અને સંસદમાં વિપક્ષની સરમુખત્યારશાહીનો સામનો કરવા માટે, અમે લશ્કરી કાયદો લાદવાનું નક્કી કર્યું હતું. જે સંપૂર્ણપણે કાયદેસર હતું.”અગાઉ 7 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ યૂને માર્શલ લૉ લાગુ કરવા બદલ દેશની માફી માગી હતી. તેમણે લાઈવ ટીવી પર માથું નમાવીને જનતાની સામે માર્શલ લો લાદવાની વાતને તેમણે ખોટી ગણાવી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે, આ નિર્ણય કાયદાકીય કે રાજકીય કારણોસર નહીં, પરંતુ હતાશાથી લેવાયો હતો.દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિ યૂને 3 ડિસેમ્બરની રાત્રે દેશમાં માર્શલ લૉ લાગુ કર્યો હતો. જો કે ભારે વિરોધ બાદ તેણે 6 કલાકમાં જ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. યૂનના આ પગલા બાદ તેમને દક્ષિણ કોરિયામાં ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમને તેમના પદ પરથી હટાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.