પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકના પુત્રની અંડર-૧૯ ટીમમાં પસંદગી!

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને 6 વર્ષ વીતી ગયા છે. આ આતંકવાદી હુમલો ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ થયો હતો, જેમાં ૪૦ CRPF જવાનો શહીદ થયા હતા. આ હુમલા પછી, ભારતીય ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે હુમલામાં શહીદ થયેલા સૈનિકોના બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી. હવે  સેહવાગે ખુશખબર આપી છે કે પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકના પુત્ર, જે તેની શાળામાં અભ્યાસ કરે છે, તેની અંડર-19 ટીમમાં પસંદગી થઈ છે.

14 ફેબ્રુઆરીના રોજ, સેહવાગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને પુલવામા હુમલાની છઠ્ઠી વર્ષગાંઠ પર શોક વ્યક્ત કર્યો. આ પોસ્ટ સાથે, તેમણે માહિતી આપી કે પુલવામા હુમલામાં શહીદ થયેલા વિજય સોરેંગના પુત્ર રાહુલ સોરેંગની હરિયાણાની અંડર-19 ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

૬ વર્ષ પહેલા થયેલા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા સેહવાગે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “તે દુઃખદ દિવસને ૬ વર્ષ થઈ ગયા છે. આપણા બહાદુર સૈનિકોની શહાદતની ભરપાઈ કોઈપણ રીતે થઈ શકતી નથી, પરંતુ વિજય સોરેંગના પુત્ર રાહુલ સોરેંગ અને શહીદ રામ વકીલના પુત્ર અર્પિત સિંહ છેલ્લા ૫ વર્ષથી સેહવાગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે, જે એક મહાન લાગણી છે. રાહુલને તાજેતરમાં હરિયાણાની અંડર-૧૯ ટીમ માટે રમવા માટે પસંદ કરવામાં આવ્યો છે. બધા બહાદુર સૈનિકોને સલામ.”

ઉલ્લેખનીય છે કે હરિયાણાની અંડર-19 ટીમમાં પસંદગી પામેલા રાહુલ સોરેંગ ઝારખંડના ગુમલા જિલ્લાના રહેવાસી છે. રાહુલના પિતા, શહીદ વિજય સોરેંગ, CRPFની 82મી બટાલિયનમાં હેડ કોન્સ્ટેબલ હતા. શહીદ વિજય સોરેંગ ૧૯૯૩ માં સેનામાં જોડાયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Virender Sehwag (@virendersehwag)

વીરેન્દ્ર સેહવાગની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

નોંધનીય છે કે વીરેન્દ્ર સેહવાગે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા છે. તેમણે ૧૦૪ ટેસ્ટ, ૨૫૧ વનડે અને ૧૯ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. સેહવાગે ટેસ્ટમાં ૮૫૮૬ રન, વનડેમાં ૮૨૭૩ રન અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૩૯૪ રન બનાવ્યા છે.