શ્રાવણ માસ : હેરિટેજ સિટીના શિવાલયો માટે જળાભિષેક યાત્રા યોજાઈ

અમદાવાદ: હેરિટેજ સિટીના કોટ વિસ્તારની પોળોમાં અસંખ્ય પૌરાણિક મંદિરો અને દેરાસર આવેલા છે. જેમાંના કેટલાક ખૂબજ પ્રાચીન છે. પવિત્ર શ્રાવણ માસમાં ખાડિયાના પ્રાચીન શિવાલયોને પરંપરાગત રીતે જળાભિષેક યાત્રા કાઢી પૂજા અર્ચનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢાળની પોળમાં રહેતા શ્રેષ્ઠ ખાડિયા અભિયાન સાથે સંકળાયેલા નિશીથ સિંગાપુરવાલા ચિત્રલેખા.કોમને કહે છે ખાડિયા રાયપુરના મહાદેવ, માતાજી, ગણેશ, હનુમાનજી સહિતના અનેક મંદિરો દેરાસરની ભવ્યતા છે. અનેક મંદિરો એકદમ પ્રાચીન અને સુંદર છે. શહેરના નાગરિક તરીકે એને જાળવવાની આપણી ફરજ છે. એ બાબતને ધ્યાનમાં રાખી અમારા ખાડિયા રાયપુરના સંગઠનોએ પ્રાચીન બાર મહાદેવને પસંદ કરી એમાં ભવ્ય રીતે પૂજા અર્ચના અભિષેક દર્શન થાય એ માટે પરંપરાગત જળાભિષેક યાત્રાનું આયોજન કર્યુ હતું.


નિશીથભાઈ કહે છે શહેરમાં સતત કોમર્શિયલાઈઝેશન થઈ રહ્યું છે. રહેણાંકના જગ્યાઓ પર વેપાર ધંધા ટેમ્પા રિક્ષાઓનો સતત ધમધમાટ ચાલુ જ હોય છે. આ રહેણાંક વિસ્તારો ધાર્મિક સ્થાનોને બચાવવા અમે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ. જેથી સનાતન હિંદુ ધર્મના લોકો પ્રાચીન મંદિરોના દર્શન માટે આવી શકે. શ્રાવણ માસમાં ખાસ ઢાળની પોળ થી પખાલીની પોળ સુધી બાર શિવાલયો માટે જળાભિષેક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માણકેશ્વર મહાદેવ, ધોળેશ્વર મહાદેવ, રામનાથ મહાદેવ (દેવની શેરી) , પીપળેશ્વર મહાદેવ, સિધ્ધેશ્વર મહાદેવ, હાટકેશ્વર મહાદેવ (હવેલીની પોળ), ચકલેશ્વર મહાદેવ, હાટકેશ્વર મહાદેવ(ખાડિયા ગેટ), એકલિંગજી મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, જબરેશ્વર મહાદેવ, રામનાથ મહાદેવ ( પખાલીની પોળ) નો જળાભિષેક યાત્રામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)