રાજકોટ: દેશના પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિ પર્વની ભક્તિભર્યા વાતાવરણ વચ્ચે ભવ્ય રીતે ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીં જોવા મળી રહ્યો છે. 8મી માર્ચના રોજ શિવરાત્રી પર્વ નિમિત્તે વહેલી સવારના 4 વાગ્યાથી સોમનાથ મંદિર ભાવિકો માટે સતત 42 કલાક ખુલ્લું રહેશે. વર્ષમાં સૌથી વધુ ભક્તો આ દિવસે સોમનાથ મંદિરે દાદાના દર્શન માટે આવતા હોય છે. ગત વર્ષે મહાશિવરાત્રી પર બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે દર્શન, પૂજા અને ભોજન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી કરવામાં આવશે અને ત્યાર બાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી 9:30 કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી પાલખીયાત્રા યોજવામાં આવશે. વહેલી સવારથી જ શ્રી યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરાયું છે. મહાશિવરાત્રિના પર્વ પરંપરા અનુસાર જ મહાશિવરાત્રિની રાત્રિએ ચાર પ્રહરની મહાપૂજા અને મહા આરતીનું પણ આયોજન કરાયું છે.
સમુદ્ર કિનારે પાર્થેશ્વર મહાપૂજા કરાશે.
મહાશિવરાત્રિના પર્વ પર શિવભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે. તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજનનું શાસ્ત્રમાં પણ અનેરૂ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિના પર્વ પર 250 પરિવારોને સોમનાથ મંદિરના સાનિધ્યમાં વોક-વે પર મારુતિ બીચ ખાતે આકાશ, અગ્નિ, જળ, પૃથ્વી અને હવા એમ પંચ મહાભૂતની પૂજા કરવામાં આવી હતી. ભકતોને વિસ્તૃત પૂજા કરાવવામાં આવી હતી.
શિવરાત્રિ પર્વ પર સોમનાથ મહાદેવની ભાવિકો ઘર બેઠા માત્ર રૂપિયા 25 માં બિલ્વ પૂજા કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પોસ્ટ મારફત ભાવિકોને રુદ્રાક્ષ અને નમન પણ પહોંચાડવામાં આવશે. આ માટે ટ્રસ્ટની વેબસાઇટ પર નોંધણી કરાવવી પડશે. આજથી જ સોમનાથમાં ભાવિકોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. જે શિવરાત્રિ સુધી અવિરત ચાલતો રહેવાનો છે.
દેવેન્દ્ર જાની (રાજકોટ)