શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રાએ હાઈ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં

મુંબઈઃ બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાએ 60 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસને રદ કરાવવા માટે બોમ્બે હાઈ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં બંને સામે 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ થયો છે.

આ ફરિયાદ જુહુ નિવાસી વેપારી દીપક કોઠારીએ નોંધાવી છે. તેઓ લોટસ કેપિટલ ફાઈનાન્શિયલ સર્વિસીસના ડિરેક્ટર છે. કપલ પર કુન્દ્રાની “બેસ્ટ ડીલ TV” કંપનીમાંથી અંદાજે 60 કરોડ રૂપિયા વ્યક્તિગત ઉપયોગ માટે કાઢવાનો આરોપ છે.

FIR રદ કરવાની માગ

કપલે તેમના વકીલ પ્રશાંત પાટિલના માધ્યમથી રિટ અરજી દાખલ કરી છે. કપલે FIR રદ કરવાની માગ સાથે કોર્ટ સમક્ષ વિનંતી કરી છે કે પોલીસ આ કેસમાં ચાર્જશીટ દાખલ ન કરે અને અરજીની સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી તેમની સામે કોઈ દંડાત્મક પગલાં ન ભરવામાં આવે.

મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રશેખર અને ન્યાયમૂર્તિ ગૌતમ અંખડની ખંડપીઠ સમક્ષ આ અરજી પર સુનાવણી થઈ હતી. કોર્ટે કપલને ફરિયાદી દીપક કોઠારીને અરજીની નકલ આપવાનું સૂચન કર્યું છે. એ સાથે જ આ મામલે આગામી સુનાવણી 20 નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. આ કેસની ગંભીરતાને જોતાં તેને આર્થિક ગુના શાખા (EOW) ને સોંપાયો છે.

શું છે આરોપ?

ફરિયાદી દીપક કોઠારીનો આરોપ છે કે શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને એક અજ્ઞાત વ્યક્તિએ તેમની કંપની બેસ્ટ ડીલ TV પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તેમની સાથે છેતરપિંડી આચરી છે. આ કંપની હોમ શોપિંગ અને ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ તરીકે કાર્યરત હતી, પણ હવે બંધ છે. બંને પાસે કંપનીના 87.6 ટકા શેર હતા.

કોઠારીના જણાવ્યાનુસાર વર્ષ 2015માં રાજેશ આર્યા નામની વ્યક્તિએ તેમની મુલાકાત શિલ્પા અને રાજ સાથે કરાવી, જેતે સમયે કંપનીમાં મુખ્ય શેરહોલ્ડર હતા. આરોપ છે કે બંનેએ બિઝનેસ વધારવાને નામે 75 કરોડ રૂપિયાની લોન માગી, પરંતુ બાદમાં તેને રોકાણ તરીકે સ્વીકારવાની વાત કરી. તેમના કહેવા મુજબ 12 ટકા વ્યાજ સાથે માસિક રિટર્ન અને મૂળ નાણાં પરત કરવાનું વચન આપવામાં આવ્યું હતું.