મુંબઈ: શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો માહોલ જોવા મળી રહી છે. સેન્સેક્સ પહેલીવાર 82,000ની સપાટી ક્રોસ કરીને નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી પણ પહેલીવાર 25,000ની સપાટીને કૂદાવી જતાં 25078ની સપાટીને સ્પર્શી ગયો હતો. આજે શેરબજારની શરૂઆતમાં જ સેન્સેક્સ 82,129ની સપાટીને સ્પર્શી ગયો હતો. શેરબજારમાં પ્રિ-ઓપનિંગ સેશન સાથે જ સેન્સેક્સમાં આજે 387 પોઈન્ટ ઉછાળો જોવા મળ્યો હતો. જેની સાથે સેન્સેક્સ 82,129ની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શી ગયો હતો. જ્યારે નિફ્ટીએ પણ 121 પોઈન્ટના ઉછાળા સાથે 25,078ના લેવલને સ્પર્શ કર્યું હતું. નિફ્ટીએ પહેલીવાર 25,000ની સપાટી કૂદાવી છે.ઓગસ્ટ મહિનો આજથી શરૂ થયો છે અને મહિનાના પ્રથમ દિવસે શેરબજાર જોરદાર તેજી સાથે ખુલ્યું હતું. શેરબજાર ખુલતાની સાથે જ 1,844 શેરો જબરદસ્ત વૃદ્ધિ સાથે લીલા નિશાન પર ટ્રેડ થવા લાગ્યા, જ્યારે 551 શેર એવા હતા જે ઘટાડા સાથે ખુલ્યા. આ સિવાય 134 શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. મારુતિ સુઝુકી, હિન્દાલ્કો, જે.એસ.ડબલ્યુ. સ્ટીલ, કોલ ઈન્ડિયા અને ઓ.એન.જી.સી. નિફ્ટીમાં સૌથી વધુ ઉછાળામાં હતા. બીજી તરફ હીરો મોટોકોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ફોસિસ, સન ફાર્મા અને એશિયન પેઇન્ટ્સના શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા.