મુંબઈઃ રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પરના આક્ષેપો વચ્ચે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ CM અને NCP-SPપ્રમુખ શરદદ્ર પવારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં તેમને એક વ્યક્તિએ 288માંથી 160 સીટો જિતાડવાની ગેરંટી આપી હતી.
તેમણે કહ્યું હતું કે મને યાદ છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં બે લોકો દિલ્હીમાં મને મળવા આવ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે મહારાષ્ટ્રની 288 સીટોમાંથી અમે તમને 160 સીટોની ગેરંટી આપીએ છીએ. હું આશ્ચર્યચકિત થયો હતો, સાચું કહું તો મને ચૂંટણી પંચ પર કોઈ શંકા નહોતી.
તેમણે આગળ જણાવ્યું હતું કે ત્યાર બાદ મેં તે લોકોની અને રાહુલ ગાંધી સાથે બેઠક નક્કી કરી. તેઓ જે કહેવા માગતા હતા તે તેમણે રાહુલ ગાંધી સમક્ષ કહ્યું, પરંતુ રાહુલ ગાંધી અને મારો મત એ હતો કે એના પર ધ્યાન આપવું નહીં જોઈએ, આ અમારો માર્ગ નથી.
તેમણે કહ્યું હતું કે ‘વોટ ચોરી’ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેઝન્ટેશન સારી રીતે સંશોધિત અને દસ્તાવેજ આધારિત હતી અને આ મામલે તપાસ કરવી ચૂંટણી પંચ (ECI)નું કામ છે. તેમણે સ્વીકાર્યું હતું કે વિરોધી મહા વિકાસ આઘાડીએ મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં વધુ સાવધ રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે અમારે આ પર પહેલાથી જ વિચારવું જોઈએ હતું અને સાવચેતી રાખવી જોઈએ હતી.
પવારે કહ્યું હતું કે ગાંધીએ વિગતવાર પુરાવા સાથે પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચે આ પર વિચારવું જોઈએ.
