દિવાળી પહેલાં સેન્સેક્સમાં 1534  પોઇન્ટનો ઉછાળોઃનિફ્ટી 22,997 પર બંધ

અમદાવાદઃ દિવાળી પહેલાં આજે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે દરમિયાન 1500થી વધુ અંક ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 28 સપ્ટેમ્બર પછી પ્રથમ વખત ઇન્ટ્રા-ડે દરમિયાન 23,000ની સપાટી પાર પહોંચ્યો હતો. જોકે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં આવી તેજી જોવા મળી નહોતી. નિફ્ટી મિડકેપ 100 લગભગ અડધા ટકા નબળો પડ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100માં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. પરિણામે, સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજી છતાં બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 38,000 કરોડથી વધુ ઘટ્યું હતું.

બજારમાં ટ્રેડિંગ સેશનમાં આજે IT ક્ષેત્રે બજારને મજબૂત ટેકો આપ્યો હતો. AI શેરોમાં ભારે વેચવાલીને કારણે AI ક્ષેત્રમાં વધુ રોકાણ ધરાવતો દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ લગભગ 9 ટકા તૂટ્યો હતો. AI શેરોમાં વેચવાલીથી આઈટી સર્વિસિસ કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી હતી. ભારતીય બજારમાં નિફ્ટી IT લગભગ 2 ટકા મજબૂત થયો હતો.ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 1533.72 અંકના ઉછાળા સાથે 74,315.61 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 374.65 પોઇન્ટની તેજી સાથે 22,997.35 પર બંધ થયો હતો.

આઈટી શેરોએ સંભાળ્યું બજારનું સુકાન

ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા જેવા શેરોમાં સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં તેજી જોવા મળી હતી. એચસીએલ ટેકનાં પરિણામોએ આઈટી ક્ષેત્રને ટેકો આપ્યો હતો. સાથે જ અન્ય આઈટી કંપનીઓનાં પરિણામો અંગે પણ રોકાણકારોમાં આશા વધી હતી.

ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ

જોકે, આજે પ્રારંભિક કારોબારમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ પ્રતિ બેરલ લગભગ 104 ડોલરની આસપાસ કારોબાર કરી રહ્યું હતું.

સપ્ટેમ્બરમાં ભારતની નિકાસ 23 ટકા વધીને 44.4 અબજ ડોલર, વેપાર ખાધ ઘટી

ભારતની નિકાસ સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 23 ટકા વધીને 44.4 અબજ ડોલર પર પહોંચી હતી. ગુરુવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર આ સમયગાળા દરમિયાન આયાત 8 ટકા વધીને 74.61 અબજ ડોલર રહી હતી. નિકાસમાં થયેલા ઝડપી વધારાને કારણે વેપાર ખાધ ઘટીને 30.21 અબજ ડોલર રહી હતી. સપ્ટેમ્બર 2025માં આ આંકડો 33 અબજ ડોલર હતો.