દિલ્હીમાં ભારે હંગામો: CJP ની પ્રેસ કોન્ફરન્સમાં લોકોનો આક્રોશ

દિલ્હીના પ્રતિષ્ઠિત પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સંયોજક અભિજીત દિપકે, ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) ની નેતા નેહા બોરા તથા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ સહિતના નેતાઓ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારે હંગામો જોવા મળ્યો હતો. પત્રકાર પરિષદ દરમિયાન કેટલાક લોકોએ વિરોધ નોંધાવતા જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ‘બંધ કરો, દફા હો જાઓ’ જેવા નારા લગાવીને હંગામો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે CJP અને અન્ય સંગઠનોએ શનિવારે દિલ્હીના કનૉટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્ક ખાતે રાષ્ટ્રધ્વજ તિરંગો લઈને પહોંચવા માટે લોકોને આહ્વાન કર્યું છે, જેને આમ આદમી પાર્ટી (AAP) એ પણ સમર્થન આપ્યું છે. આ કાર્યક્રમને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ચાલી રહેલા આંદોલનનો જ એક ભાગ ગણાવવામાં આવી રહ્યો છે.

વિપક્ષી નેતાઓની અટકાયત અને પ્રશાસન સામે સવાલો

પ્રેસ કોન્ફરન્સમાં બોલતા અભિજીત દિપકેએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હીમાં છેલ્લા 10 થી 15 દિવસથી વિદ્યાર્થી સંગઠનો અને યુવાનો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ પ્રશાસન દ્વારા પ્રદર્શનકારીઓની ધરપકડ કરીને તેમને સ્થળ પરથી હટાવવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે જ્યારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, પૂર્વ મુખ્યમંત્રી અરસિંહ કેજરીવાલ અને પિનારાયી વિજયન જેવા મોટા નેતાઓ આ પ્રદર્શનમાં જોડાવા પહોંચ્યા તો તેમની પણ અટકાયત કરવામાં આવી હતી. દિપકેએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે આંદોલનને રોકવા માટે દિલ્હીમાં મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવાયા હતા અને જમ્મુ-કાશ્મીરથી વધારાના સુરક્ષા દળોને બોલાવવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો કે 10 ઓક્ટોબરે યોજાયેલા પ્રદર્શનના આહ્વાન બાદ રેલવે સેવાઓ પણ રોકી દેવામાં આવી હતી, જે દેશના ઈતિહાસમાં કદાચ પહેલીવાર બન્યું છે. તેમણે પ્રશાસન દ્વારા લેવાયેલા આ કડક પગલાં સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

નેહા બોરાએ લગાવ્યા ગંભીર આરોપો

આ પત્રકાર પરિષદ દરમિયાન આઇસા નેતા નેહા બોરાએ એક મહિલા પત્રકાર સાથે જોડાયેલા કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તે પત્રકારે વિવેક ભગત નામના વ્યક્તિ સામે યૌન ઉત્પીડન (લાઈંગિક સતામણી) ની ફરિયાદ નોંધાવવા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાને બદલે તે મહિલા પત્રકાર સામે જ જવાબી એફઆઈઆર (Counter FIR) નોંધી લીધી હતી.