અમદાવાદઃ ભારતીય શેરબજારમાં સોમવારે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સવારે તેજી સાથે ખૂલેલા સૂચકાંકો ઝડપથી ગગડ્યા હતા. મેટલ અને બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલીના દબાણને કારણે સેન્સેક્સ 1400થી વધુ અંક તૂટ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 82,500ની નીચે સરકી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ 25,400ના મહત્ત્વના સ્તરથી નીચે આવી ગયો હતો. અંતે સેન્સેક્સ 1483 અંકના ઘટાડા સાથે બંધ થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. છ લાખ કરોડનો વધારો થયો હતો.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન પર હુમલાની ધમકી આપતાં બજારમાં ગભરાટ ફેલાયો હતો. ટ્રમ્પે ધમકી આપી હતી કે જો વાતચીત દ્વારા કોઈ સમજૂતી નહીં થાય તો નવા વર્ષમાં ઈરાન પર ફરી હુમલા શરૂ કરવા અંગે વિચારણા કરવામાં આવશે.
બજારમાં સૌથી નબળું પ્રદર્શન મેટલ, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરનું રહ્યું હતું. NSE પર મેટલ ઇન્ડેક્સ 3.8 ટકા તૂટ્યો હતો. પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 3.2 ટકા, પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 3 ટકા, ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 2.25 ટકા અને ફાઇનાન્શિયલ્સ ઇન્ડેક્સ 2 ટકા સુધી ઘટ્યા હતા. જોકે, આઇટી ઇન્ડેક્સ 1.8 ટકાની તેજી સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
એશિયન બજારોમાં ભારે વેચવાલી
એશિયન શેરબજારોમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. સવારના સત્રમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 3 ટકાથી વધુ તૂટ્યો હતો. હેંગસેંગ અને શાંઘાઈ ઇન્ડેક્સ પણ 1-1%થી વધુ ઘટ્યા હતા.
ક્રૂડ ઓઇલમાં નરમાઈ
ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ જોવા મળી છે. મધ્ય-પૂર્વમાં ભૌગોલિક રાજકીય તણાવ હોવા છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો પૂરતો પુરવઠો ભાવ પર દબાણ જાળવી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 92 ડોલરની આસપાસ છે.
132 શેરો એક વર્ષની ઊંચી સપાટીએ
બીએસઈ પર આજે કુલ 4738 શેરોમાં ટ્રેડિંગ થયું હતું. તેમાંથી 1601 શેરોમાં તેજી રહી હતી, જ્યારે 2872 શેરો ઘટ્યા હતા. 265 શેરોમાં કોઈ ફેરફાર થયો નહોતો. આ ઉપરાંત 132 શેરો એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે 169 શેરો એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા હતા. 10 શેરો અપર સર્કિટમાં અને 43 શેરો લોઅર સર્કિટમાં બંધ થયા હતા.

ઇન્ડિયા વીઆઈએક્સમાં ઝડપી ઉછાળો
બજારમાં ભય અને અસ્થિરતાનો માપદંડ ગણાતા ઇન્ડિયા વીઆઈએક્સમાં તેજી જોવા મળી હતી. તે 1.27 ટકા વધીને 17.54 પર બંધ થયો હતો. ઇન્ટ્રા-ડે દરમિયાન તે 18.65 સુધી પહોંચ્યો હતો.
નફારૂપી વસૂલાત
આ મહિને શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ તથા નિફ્ટી લગભગ 12 ટકા મજબૂત થયા હતા. આવી સ્થિતિમાં ઊંચા સ્તરે રોકાણકારો દ્વારા નફારૂપી વસૂલાત કરવામાં આવતાં બજારમાં ઘટાડો નોંધાયો હતો.




