મુંબઈ: ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ ઘટનાક્રમ સામે આવ્યો છે. નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એન.એસ.ઈ.એલ.)ની વન-ટાઇમ સેટલમેન્ટ (ઓ.ટી.એસ.) સ્કીમ હેઠળ પાત્ર દાવેદારો માટે ચુકવણીની રકમ છૂટી કરવામાં આવી છે. જુલાઈ ૨૦૧૩માં શરૂ થયેલા પેમેન્ટ ડિફોલ્ટ મામલામાં આશરે ૧૪ વર્ષ લાંબી કાનૂની લડાઈ બાદ હવે પરસ્પર સંમતિથી નિવેડો આવ્યો છે.
NSELની વન-ટાઇમ સેટલમેન્ટ સ્કીમ હેઠળ સોમવારે 23મી નવેમ્બરે મુંબઈમાં 1,950 કરોડ રૂપિયાની ઐતિહાસિક ચુકવણીની રકમ છૂટી કરવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ બોમ્બે હાઇ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ એસ.સી. ગુપ્તેના હસ્તે થયો. એ પ્રસંગે (ડાબેથી) જિજ્ઞેશ શાહ (63 મૂન્સના મેન્ટર અને કોચ), એસ. રાજેન્દ્રન (63 મૂન્સના MD-CEO), જસ્ટિસ એસ.સી. ગુપ્તે (ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ), શરદ સરાફ (NIFના ચેરમેન), સુશીલ જીવરાજકા (NIFના મેમ્બર) અને નીરજ શર્મા (NSELના MD-CEO)
મુંબઈ સ્થિત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એન.સી.એલ.ટી.)ની મંજૂરી બાદ અમલમાં આવેલી રૂ. ૧,૯૫૦ કરોડની આ ઓ.ટી.એસ. સ્કીમ હેઠળ ૫,૬૮૨ દાવેદારોને રાહત મળી છે. મતદાન પ્રક્રિયા દરમિયાન દાવેદારોની સંખ્યાની દૃષ્ટિએ ૯૨.૮૧ ટકા અને દાવાની રકમની દૃષ્ટિએ ૯૧.૩૫ ટકા દાવેદારોએ આ યોજનાના સમર્થનમાં મતદાન કર્યું હતું. રૂ. ૧,૯૫૦ કરોડની આ સ્કીમનો મૂળ પ્રસ્તાવ એન.એસ.ઈ.એલ. ઇન્વેસ્ટર્સ ફોરમ (એન.આઇ.એફ.) દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેને ૬૩ મૂન્સ ટેક્નોલોજીસ લિમિટેડના સહયોગથી એનએસઈએલે સ્વીકારીને એનસીએલટી સમક્ષ રજૂ કર્યો હતો.
આ સમગ્ર પ્રક્રિયામાં ન્યાયતંત્ર, કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર તેમજ મુંબઈની આર્થિક ગુના શાખા (ઈ.ઓ.ડબ્લ્યુ.), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈ.ડી.) અને સી.બી.આઇ. જેવી એજન્સીઓનો હકારાત્મક અભિગમ મહત્ત્વપૂર્ણ રહ્યો છે. મહારાષ્ટ્ર આવી નાણાકીય કટોકટીનો સંમતિ આધારિત ઉકેલ લાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જે ભવિષ્યમાં નાણાકીય ડિફોલ્ટના કેસો માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે. ૬૩ મૂન્સના જણાવ્યા અનુસાર, પેમેન્ટ કટોકટીનો એક પણ પૈસો એનએસઈએલ, ૬૩ મૂન્સ કે તેના પ્રમોટર્સે લીધો નથી, છતાં સ્વૈચ્છિક પહેલથી ઉકેલ લાવવામાં આવ્યો છે, અને ૧૭ ડિફોલ્ટર જૂથો પાસેથી નાણાંની વસૂલાત કરવામાં આવશે.
આ ઐતિહાસિક પગલા અંગે ૬૩ મૂન્સ ટેક્નોલોજીસના મેન્ટર અને કોચ જિજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે આ ઓ.ટી.એસ. કોર્પોરેટ ભારતના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે અને ભવિષ્યના નાણાકીય સંકટના ન્યાયી ઉકેલ માટે આદર્શ સ્થાપિત કરે છે. એન.આઇ.એફ.ના અધ્યક્ષ શરદ સરાફે આ સેટલમેન્ટને દાવેદારો માટે ન્યાયી ગણાવ્યું હતું, જ્યારે ૬૩ મૂન્સના એમ.ડી. અને સી.ઈ.ઓ. એસ. રાજેન્દ્રન તથા એન.એસ.ઈ.એલ.ના એમ.ડી. અને સી.ઈ.ઓ. નીરજ શર્માએ સહિયારા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અગાઉ ઓગસ્ટ ૨૦૧૩માં પણ રૂ. ૧૦ લાખથી ઓછી બાકી રકમ ધરાવતા ૭,૦૫૩ નાના દાવેદારોને આશરે રૂ. ૧૭૯ કરોડની ચુકવણી કરવામાં આવી હતી.




